- મૃતક યુવાનની લાશ પોતાના ઘરમાંથી ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
- મૃતક યુવાને આત્મહત્યા કરી હોવા બાબતે પોલીસે એડી નોંધી હતી. મૃતકના ભાઈએ સ્થાનિક થી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરતાં આખરે બે આરોપીઓ સામે ગુનો નોંધાયો.
- મૃતક યુવાનને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા બાદ ગળે ફાંસો આપી હત્યાના બનાવને આત્મહત્યા માં ખપાવવા કોશિશ કરવામાં આવી હોવા બાબતે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત.
ફતેપુરા તાલુકાના મારગાળા ગામે ગત તા.૦૮/૦૪/૨૦૨૨ ને શુક્રવારના રોજ એક 27 વર્ષીય યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં ગુપ્ત ભાગે ઈજાના નિશાન સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પોતાના ઘરમાંથી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. અને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ. પણ કરાવ્યું હતું. જેમાં ગુપ્ત ભાગે ઈજાના નિશાન સાથે ગળે ફાંસો ખાવાથી મોત નીપજયું હોવા બાબતે પી.એમ. કરનાર તબીબ દ્વારા પ્રાથમિક તારણ પણ આપ્યું હતું. ત્યાર બાદ સુખસર પોલીસે આગળની કોઈ તપાસ નહીં કરતા મૃતકના ભાઈએ ઝાલોદ સી.પી.આઈ. થી લઈ ગૃહ મંત્રી સહિત રજીસ્ટાર ગુજરાત હાઇકોર્ટને રજૂઆતો કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના લીમધાટી ફળિયામાં રહેતા ભરતભાઈ હીરાભાઈ ભાભોર ઉં. વ. ૨૭ વર્ષ આશરે ને તા.૦૮/૦૪/૨૦૨૨ ના રોજ પાડોશમાં રહેતા શુક્રમ ભુંડા સંગાડાની પત્ની સાથે આડા સંબંધ હોવાના વહેમે શુક્રમ સંગાડા દ્વારા મારામારી કરી હાથે ફ્રેક્ચર કરવામાં આવ્યું હતું. અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ તે જ રાત્રિના ભરત ભાભોર સાથે કંઈક અજુગતો બનાવ બન્યો હતો. અને સવારના ભરત ભાભોરની લાશ ગુપ્ત ભાગે ઈજાના નિશાન સાથે પોતાના ઘરમાં સારાના લાકડામાં દોરડા વડે ફાંસો ખાધેલી અને ખુરશીના ટેકા ઉપર બેઠેલી તેમજ જમીન ઉપર પગ વળેલા હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા સુખસર પોલીસે સ્થળ ઉપર જઇ લાશનો કબજો મેળવી સુખસર સરકારી દવાખાનામાં પી.એમ. અર્થે મોકલી આપવામાં આવી હતી. જ્યાં પી.એમ. દરમીયાન મૃતક ભરત ભાભોરને ગુપ્ત ભાગે વાગેલાનું નિશાન લોહી નીકળતી હાલતમાં જણાઇ આવ્યુ હતું. ત્યારબાદ સુખસર પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા મૃતકના ભાઈએ લાગતા વળગતા તંત્રને ભરત ભાભોરના મોત સંદર્ભે તટસ્થ તપાસ થાય તેના માટે રજૂઆતો પણ કરી હતી. છતાં પણ સુખસર પોલીસે કોઇ જ કાર્યવાહી હાથ ધરી ન હતી. અને કોલ ડીટેલ દ્વારા તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. કોલ ડીટેલ આવ્યા બાદ પણ પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં સતત એક માસ સુધી ફરિયાદી સહિત તેના પરિવારના લોકો સુખસર પોલીસ સ્ટેશનના આંટાફેરા મારતા રહ્યા હતા. આખરે હારી થાકી સુખસર પોલીસે એક માસ ત્રણ દિવસ બાદ મૃતક ભરત ભાભોરને માર મારી મરવા માટે મજબૂર કરેલ હોવા બાબતે સુખસર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ત્યારે મૃતકના પરિવાર જનોના કરવામાં આવતા આક્ષેપ મુજબ મૃતક ભરતએ આત્મહત્યા કરેલ નથી. પરંતુ ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી તેની હત્યા કરી હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી સુખસર પોલીસ દ્વારા સાચા આરોપીઓને છાવરવાના હેતુથી હત્યાના બનાવને મરવા માટે મજબૂર કરવા બાબતે સુખસર પોલીસ દ્વારા બે આરોપીઓ સુક્રમ ભુંડાભાઈ સંગાડા તથા મુકેશ ભુંડાભાઈ સંગાડા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં કરવામા આવ્યો હોવા બાબતે મૃતકના ભાઇ મુકેશભાઈ ભાભોરે તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ પોલીસ અધિક્ષક દાહોદને રજૂઆત કરી જણાવ્યું છે, કે આ બનાવ હકીકતમાં હત્યાનો છે, પરંતુ તેમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને છાવરવાના હેતુથી એક માસ સુધી પોલીસે કોઇ તપાસ નહીં કરી તપાસ અન્ય રસ્તે લઈ જવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે બાબતે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.