PRAVIN KALAL – FATEPURA
- કોઇપણ ગામના વિકાસ માટે શિક્ષણ અને પાણી મુખ્ય પરિબળ છે.
- ગ્રામજનો વૈજ્ઞાનિક ઢબે ખેતી અને પાણીનો ઉપયોગ કરે તો ઘણા સારા પરિણામો હાંસલ કરી શકાય : કલેકટર વિજય ખરાડી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વટલી પ્રાથમિક શાળા પટાંગણ ખાતે રાજય સરકારના નવતર અભિગમ પ્રમાણે રાત્રી ગ્રામ સભા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. રાત્રી ગ્રામ સભાને સંબોધતા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે ગામોની સમસ્યાઓ પ્રજા પાસેથી જાણી શકાય તે માટે આ રાત્રી ગ્રામસભાનો નવતર અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. ત્યારે ગ્રામજનોએ ગામના વિકાસ માટે ભેગા થઇને નિર્ણય લેવો જોઇએ. વધુમાં કોઇપણ ગામનો વિકાસ શિક્ષણ અને પાણીના બચાવ અને ઉપયોગ દ્વારા થઇ શકે. માતા અને બાળ મરણ અટકાવવા સમયસર સગર્ભાની નોંધણી થવી જરૂરી છે. વૈજ્ઞાનિક ઢબે ખેતી અને પાણીનો ઉપયોગ ગ્રામજનો કરે તો ઘણા સારા પરિણામો હાંસલ કરી શકાય.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે જણાવ્યું હતું કે ગામની જરૂરિયાત ગ્રામજનો નકકી કરે તો જ પૂ.મહાત્મા ગાંધીજીની ગ્રામ સ્વરાજની ભાવના સાર્થક થઇ શકે. અધતન ખેતી સાથે અધતન પશુપાલન, વ્યવસાય ફાયદાકારક છે. આ વિસ્તારમાં હિમોગ્લોબીનની ઉણપ અને સિકલસેલ જેવી બિમારી વધુ જોવા મળે છે. તે માટે આશાર્વકર બહેનો, આરોગ્ય વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા નિયમિત પણે નોંધણી થવી જરૂરી છે. તેમ જણાવતા ગ્રામજનો માટે આયુષ્પમાન ભારત યોજના ખૂબ જ ફાયદાકારક છે. તેમ જણાવતા ગામ વિકાસ માટેની વિસ્ર્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગીએ જણાવ્યું હતું જિલ્લાની કુપોષણની સમસ્યાને નિવારણ માટે બાળકોને નિયમિત આંગણવાડી અને શાળામાં વાલીઓએ મોકલવા જોઇએ. શિક્ષણથી જ વ્યકિત, કુંટુબ, ગામ, સમાજનો વિકાસ શકય બને છે. રાત્રિ ગ્રામસભા એ ઘર આંગણે સરકારનો ઉદેશ સાર્થક કરે છે. ત્યારે ગ્રામ વિકાસ માટે સહિયાર પ્રયાસો હાથ ધરીએ.
આ પ્રસંગે તલાટીએ ૧૪ મા નાંણાપંચ હેઠળ થયેલા કામો અને આયોજનની જાણકારી આપી હતી.
આ પ્રસંગે સંકટ મોચન યોજના અંતર્ગત અકસ્માત વીમા યોજના હેઠળ કલેકટર વિજય ખરાડીના હસ્તે ₹.૨૦,૦૦૦ નો ચેક અને એ.પી.એલ.કાર્ડ ગામની બહેનને વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ગામના એક ફળીયાથી બીજા ફળિયા અને અને મુખ્ય રસ્તાને જોડતા રસ્તાના પ્રશ્નો પોસ્ટ ઓફિસ સુવિધા ગામમાં પ્રાથમિક શાળામાં થયેલ દબાણ હટાવવા, એસ.ટી. બસની સુવિધા, આવક-જાતિના દાખલા સમયસર મળે વગેરે અંગે ગ્રામજનો દ્વારા થયેલ પ્રશ્નો પરત્વે કલેકટર વિજય ખરાડીએ સ્થળ ઉપર જ સંબંધિત અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી કિરણ ગેલાત, પ્રાંત અધિકારી ડી.જે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી.બી. બલાત, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. નિનામા, પ્રાથમિક શિક્ષણાધિકારી એન.વી.વ્યાસ, પ્રોગ્રામ ઓફિસર નયનબાળાબેન બારીયા, સમાજસુરક્ષા અધિકારી આર.એમ.ખાંટ, જિલ્લા-તાલુકાના અધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.