- ફતેપુરા રેન્જ કચેરીના કર્મચારીઓ તથા પ્રકૃતિ મંડળના સભ્યોએ રેસ્ક્યુ કરી મગરને પકડી પાડવામાં આવ્યો.
- સાડા ત્રણ વર્ષના ઝડપાયેલા મગરને કડાણા જળાશયમાં સહી સલામત છોડવામાં આવશે – R.F.O. ફતેપુરા.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે મકવાણા ફળિયામાં રહેતા રમેશભાઈ રામાભાઈના ખેતરમાં આજે તા.૨૯/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં મકાઈના ખેતરમાં મગર જોવા મળતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા અને મગરને જોતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ બાબતે તાત્કાલિક સુખસર તથા ફતેપુરા ખાતે આવેલ રેન્જ કચેરીના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. જ્યારે રેન્જ કચેરીના કર્મચારીઓમાં આર.એફ.ઓ. પી.જે.પરમાર, મનોજ રટોડા તથા કર્મચારી ઓમાં રાજેન્દ્ર ડામોર સહિત પ્રકૃતિ મંડળના અશ્વિનભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા સરસવા પૂર્વ ગામે આવી મગરનો રેસક્યુ કરી મગરને પકડી લઈ સહી સલામત રીતે કડાણા જળાશયમાં છોડવામાં આવશે તેમ આર.એફ.ઓ પી.જે. પરમાર દ્વારા જાણવા મળ્યું છે.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મગર જેવા જળચર પ્રાણીઓ મીઠા પાણીની સુગંધમાં ખેંચાઈ આવતા હોય છે. આ મગર અંદાજે સાડા ત્રણ વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેમજ અહીંયા ઝડપાયેલ મગર બાળ મગર હોવાનું જાણવા મળેલ છે. જ્યારે દાહોદ જિલ્લામાં મગર પકડવાનો આ પ્રથમ કિસ્સો છે. અને નજીકમાં મહીસાગર જિલ્લામાં કડાણા જળાશય યોજના આવેલી છે અને તેમાં મગર મોટી સંખ્યામાં છે. અને ત્યાંથી મગરો વરસાદી દિવસો દરમિયાન નદી તળાવમાં આવી જતા હોય છે. ત્યારે અન્ય નદી તળાવમાં મગરો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેમ રેન્જ ફોરેસ્ટ કચેરીના કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું છે.