દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં વિવાદીત મહાદેવ મંદિરવાળી જમીનની સરકાર દ્વારા કરાઇ માપણી. દબાણ કર્તાઓએ ગરીબ હોવાના ખોટા પુરાવા રજૂ કરી સરકારી જમીન નામે કરવા દરખાસ્ત કરી હતી. રાજ્ય કક્ષાએથી આદેશ થતાં કલેક્ટર દ્વારા માપણી કરાવાઈ. સંપૂર્ણ તપાસ બાદ દબાણકર્તા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થઈ શકે તેમ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિરમાં ધર્મશાળા વાળી જગ્યાએ પાકા દબાણો થઈ ગયા છે. જે દબાણો દૂર કરવા માટે સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તાલુકો કક્ષાએથી લઈ જિલ્લા કક્ષા સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા. જ્યારે દબાણ કર્તાઓ સુખસર સહિત અન્ય શહેરોમાં માલમિલકત અને વૈભવી મકાનો ધરાવે છે છતાં પણ તેઓ દ્વારા ગરીબ હોવાના અને દબાણ વાળી જગ્યાએ રહેણાંક મકાનો ધરાવે છે તેવા ખોટા પુરાવા ઊભા કરી જમીન નામે કરાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જેમાં અરજદાર દ્વારા રાજ્ય કક્ષાએ રજૂઆત કરતા નિયમ બધ્ધ કરવાની ફાઈલ રદ કરી અને પરત જિલ્લા કક્ષાએ મોકલી આપી હતી અને જિલ્લા કલેકટર દાહોદને સંપૂર્ણ તપાસ કરવા આદેશ કર્યો હતો. જેમાં જિલ્લા કલેકટર દ્વારા મંગળવારના રોજ માપણી કરાવાઈ હતી. માપણીના રિપોર્ટ બાદ દબાણકર્તાઓ સામે લેન્ડ ગેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ શકે છે તેવું જાણવા મળ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે અર્થે સુખસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.