ફતેપુરા તાલુકાના એક ગામની 18 વર્ષીય યુવતીને માધવા ગામનો યુવક 8 એપ્રિલ – 2022 ના રોજ અપહરણ કરી ગયો હતો. હાલ યુવતી પોતાના પતિ, સાસુ, સસરા તથા અન્ય લોકો સાથે અમદાવાદ રામોલ ટેકરા ખાતે ફાર્મમાં રહી મજૂરી કામ કરતા હતા. અપહરણનો ભોગ બનેલી યુવતીનું સમાજની રીતે 5 ઓગસ્ટ – 2022 ના રોજ સમાધાન કરવા બંને પક્ષોની પંચો દ્વારા કરાર કરવામાં આવ્યો હતો.
મૃતક યુવતીની લાશ જોતા નાક તથા કાનમાંથી લોહી નીકળતું હોવાના આક્ષેપ સાથે પિયરિયાઓએ અમદાવાદ સિવિલમાં પી.એમ. કરાવ્યું હતું. માતા-પિતા અને પરિવારની પરવા કર્યા વિના પ્રેમાંધ બની ભાગી છુટતા યુગલોના કેટલાક કિસ્સાઓનો કરુણ અંજામ આવે છે. જેનો જીવતો જાગતો પુરાવો હાલ ફતેપુરા તાલુકાના એક ગામની 18 વર્ષીય યુવતીને પિતાનું ઘર છોડ્યા બાદ દાંપત્ય જીવનના પાટા ઉપર ડગ માંડતા પહેલા ત્રણ જ મહિનામાં મોતના ખપ્પરમાં હોમાઈ જતા તરેહ-તરેહ ની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. ફતેપુરા તાલુકામાંથી 14 વર્ષની સગીરા થી લઈ 20 વર્ષની કુવારીકાઓ સહિત કેટલાક કિસ્સાઓમાં પરણીતાઓના કહેવાતા અપહરણના કિસ્સા અવાર – નવાર પ્રકાશમાં આવે છે. જે પૈકી જૂજ કિસ્સાઓમાં F.I.R. દાખલ થાય છે. જ્યારે મોટાભાગના કિસ્સાઓમાં સમાજની પંચો દ્વારા સમાધાન કરી લેવામાં આવે છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એક ગામની યુવતી તેના પિતા સાથે માણસા તાલુકાના રાજપુરા ગામે ઘઉં વાઢવાની મજૂરી કામે ગયેલ હતા ત્યાંથી ફતેપુરા તાલુકાના માધવા ગામના ઉજાડીયા ફળિયામાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતો વિક્રમભાઈ સંતુભાઈ કટારા દ્વારા 8 એપ્રિલ 2022 ના રોજ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી ગયેલ હતો. ત્યારબાદ વિક્રમ કટારા તથા તેના માતા-પિતા તથા યુવતીને લઈ ગત પંદરેક દિવસ અગાઉ અમદાવાદના રામોલ ટેકરા ખાતે આવેલ રમેશભાઈ અરજણભાઈ ભરવાડના ફાર્મમાં છૂટક મજૂરી કામે ગયા હતા. ત્યારબાદ 2 ઓગસ્ટ 2022 ના રોજ યુવતીના પિતા ઉપર નજીકના ગામના પરિચિત દ્વારા મોબાઈલથી જાણ કરવામાં આવી કે, તમારી પુત્રીને તાવ આવવાથી મરણ ગયેલ છે. તેવી જાણ પડતાં યુવતીના પિયરિયાઓ અમદાવાદના રામોલ ટેકરા ફાર્મ ઉપર ગયા હતા. જ્યાં છોકરા પક્ષના લોકોએ મૃતક યુવતીના પિયરીયાઓને જણાવેલ કે તમો પોસ્ટમોર્ટમ કરાવશો નહીં. અમો તમોને પાંચ દિવસ પછી રૂપિયા 1,50,000/- સમાધાન પેટેના આપી દઈશું નું જણાવતા યુવતીના કાન તથા નાકમાંથી લોહી નીકળતું હોય તેમજ ગળાના પાછળના ભાગે કાળાશ પડતી ચામડી નજરે પડતા પિયરીયાઓને દીકરી સાથે અજુકતો બનાવ બન્યો હોવાનો શક જતા પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને લાશનું અમદાવાદ સરકારી હોસ્પિટલમાં પેનલમાં પોસમોર્ટમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, આગાઉ બંને પક્ષોની પંચોએ મળી 5 ઓગસ્ટ-2022 ના રોજ સમાધાન કરી લેવા પંચોએ બંને પક્ષોને સમજાવટ કરતા યુવતીના પિયરિયાઓએ પણ સમાધાન કરવા સંમતિ આપી હતી. પરંતુ સમાધાન થાય તેના ત્રણ દિવસ પહેલા જ યુવતીનું શંકાસ્પદ મોત નીપજતા તરેહ-તરેહની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. જો કે મૃતક યુવતીનું પેનલમાં પી.એમ. કરવામાં આવ્યું છે. અને તેના રિપોર્ટના આધારે યુવતીનું મોત કયા કારણોસર થયું તે જાણી શકાશે. મૃતક યુવતીના અંતિમ સંસ્કાર સાસરિયાઓએ પીયરીયાઓની હાજરી વિના તાબડતોબ રાત્રિના સમયે કરી દેવામાં આવ્યો હોવાનો પિયરિયાઓ દ્વારા અમારા પ્રતિનિધિ સમક્ષ આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
મૃતક યુવતીના પિતાએ અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા લાશના પંચનામા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ લાશનો કબજો યુવતીના સાસરિયાઓને સોંપી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.