સમગ્ર ભારત અને વિદેશમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પણ આ વખતે પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા કાઢવા માટે તૈયારીઓ પ્રારંભિક દેવામાં આવી છે.
ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ શોભાયાત્રાને લઇ જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા ફતેપુરા નગરમાં રંગેચંગે ભગવાન જગન્નાથની શોભા યાત્રા નીકળે તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. આ રથયાત્રા શાંતિમય વાતાવરણમાં નીકળે તે માટે જવાબદાર અધિકારીઓની પરમિશન લઈને ફતેપુરા નગરમાં ડીજે, નાસિક ઢોલ, બેંડ અને વિવિધ વાજિંત્રના તાલે વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા કાઢવામાં આવશે.
ભગવાન જગન્નાથજીની પ્રથમ શોભાયાત્રાને લઈને નગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના નાના બાળકોથી લઇ યુવા ધન ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રામાં જોડાવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે 20 તારીખે નીકળનારી આ શોભાયાત્રામાં સમગ્ર ફતેપુરા નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે. પ્રથમ શોભા યાત્રા યાદગાર બની રહે તે માટે રથયાત્રા સેવા સમિતિ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર રથયાત્રા દરમિયાન જાંબુનો પ્રસાદ મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.