- મૂળ ભાડુઆતો પેટા ભાડે આપી મસમોટી રકમ વસૂલતા હોય છે
- એક માલિક બે થી ત્રણ દુકાનો ધરાવે છે દુકાનો પર રહેણાક મકાનો પણ બનાવી દેવામાં આવ્યા છે
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઝાલોદ રોડ ઉપર ફતેપુરા APMC એટલે કે ફતેપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે. આ APMC ના આગળના ભાગે એટલે કે ઝાલોદ રોડ પર મુખ્ય રસ્તા ઉપર APMC ની માલિકીની કરોડો રૂપિયાની અસંખ્ય દુકાનો આવેલી છે. આ દુકાનોને જે તે વખતે જે તે ભાડુઆતોને ભાડાપટ્ટે કરારથી આપવામાં આવેલ હતી. હાલમાં આ જૂના અને મૂળ ભાડુઆતો દ્વારા તેમને ભાડાપટ્ટે અપાયેલી દુકાનોને પેટા ભાડુઆતના નામે મસમોટી રકમ લઈને વેચી મારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે ફતેપુરા APMC ના સત્તાધીશો કે જિલ્લા કક્ષાએથી અધિકારીઓ તપાસ કરે તે ખૂબ જ જરૂરી છે.
હાલમાં ફતેપુરા APMC ની કરોડો રૂપિયાની આ દુકાનોને મૂળ ભાડુઆતો ચલાવતા નથી પણ તેના બદલે પેટા ભાડુઆતો જ ચલાવી રહ્યા છે અને આ દુકાનોની ઉપર બે માળના વૈભવી બંગલા બનાવી દીધેલા છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ અને APMC ના સત્તાધીશો દ્વારા તપાસ કરીને તે બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તે ઇચ્છનીય છે.
આ મસમોટા કૌભાંડને લઈને ફતેપુરા તાલુકાના વેપારીઓ અને ગ્રામજનોમાં અસંતોષ ફેલાઈ જવા પામ્યો છે. જેના પગલે ઉચ્ચ અધિકારીઓને લાગતા વળગતા સત્તાધીશોને દ્વારા જે તે મૂળ માલિકોને દુકાનો પરત આપવામાં આવે અથવા તો મૂળ માલિકોને દુકાનોની જરૂરિયાત ના હોય તો તેમની પાસેથી દુકાનો લઈને ફતેપુરા તાલુકાના જરૂરિયાતમંદ વેપારીઓને આપવામાં આવે તેવી ફતેપુરા નગરમાં વેપારીઓ અને ગ્રામજનોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે. અને જે જૂના અને મૂળ ભાડુઆતોએ પેટા ભાડુંઆતોને આ દુકાનો વેચી મારવાનું મસમોટું કૌભાંડ કર્યું છે તેમને કડકમાં કડક કાર્યવાહી કરી આ દુકાનો તેમની પાસેથી પરત લઈ લેવી જોઈએ તેવું પણ નગરમાં લોકોમાં ચર્ચાઈ રહ્યું છે