KEYUR PARMAR DAHOD BUREAU
મોટા નટવા પ્રાથમિક શાળાના રૂા. ૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક વર્ગખંડનું ખાતમુર્હૂત પણ કરાયુ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા રેફરલ અને સી.એચ.સી., સરસ્વા પૂર્વના પી.એચ.સી.ના નવિન કાર્યાન્વિત ભવનોનું ઉદ્ઘાટન તથા સરસ્વા પૂર્વ પી.એચ.સી. દવાખાનાના નવિન બનનાર ભવનનું ખાતમુર્હૂત ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દીર્ધ દ્રષ્ટિ સાથે રાજયની વિકાસની હરણફાળ ભરી હતી. જેમાં તેમને વિચાર્યું કે કોઇપણ વ્યક્તિ, સમાજ કે દેશનો વિકાસ કરવો હશે તો તેઓની પાયાની જરૂરિયાત સંતોષવી પડશે. તેમાંયે મુખ્યત્વે સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાઓ ખૂબજ મહત્વની પૂરવાર થઇ શકે. તે માટે રાજ્યમાં અવનવા કાર્યક્રમો, અભિગમો, યોજનાઓના અમલ થકી ગુજરાતે ઝડપભેર વિકાસની કૂચ કરી અને ગુજરાત દેશમાં વિકાસ મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું. અંબાજીથી ઉમરગામ જેવા આદિજાતિ વિસ્તારોમાં વસતા ગરીબ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના આર્શીવાદરૂપ સાબિત થઇ. તેમાંયે રાજ્ય સરકારે ૨૦૦૫થી આરોગ્ય વિષયક સેવાઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે દાહોદ જિલ્લામાં સંસ્થાકીય સુવાવડો અને ૧૦૮ યોજના, ચિરંજીવી યોજના હેઠળ રૂા.૨૩ કરોડનો ખર્ચ કરી ૧૧૮૬૮૩ મહિલાઓએ નિઃશુલ્ક સુવાવડ કરાવતાં માતા અને બાળ મૃત્યુ દર એકદમ ઘટી ગયો. પરિણામ સ્વરૂપ મહિલાઓ દાયણો અને અંધશ્રધ્ધા જેવી બદીઓથી મુક્ત થઇ આરોગ્ય કેન્દ્રોનો લાભ લઇ રહી છે. કુપોષણ જેવી સમસ્યાને નાથવા જનની સુરક્ષા યોજના અને કસ્તૂરબા પોષણ સહાય યોજના હેઠળ ૨૦૦૭ના વર્ષથી ગરીબ અને કુપોષિત સગર્ભા અને પ્રસુતિ ૩૦૪૯૨૦ માતાઓને રૂા. ૨૯.૧૮ કરોડના ખર્ચે મફત પોષણ ક્ષમ આહાર, આરોગ્ય વિષયક સેવાઓ, સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું. બાલ સખા યોજના હેઠળ રૂા. ૭ કરોડનો ખર્ચ કરી ૪૧૧૦૧ બાળકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી તેના થકી બાળ મૃત્યુ દર પણ ઘટ્યો છે. મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ દ્વારા ગરીબ આદિવાસીઓને ગંભીર બિમારીઓ માટે નિઃશુલ્ક સારવાર મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારની ગરીબ લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે તે માટે બલૈયા પી.એચ.સી.માંથી રૂા. ૩ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા સાથેનું રેફરલ સી.એચ.સી. ભવન સંકુલ બનાવવામાં આવ્યું છે. જ્યારે સરસ્વા પૂર્વનું પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભવન ટૂંકા ગાળામાં બનશે. ત્યારે જાગૃત થઇ આ આરોગ્ય સુવિધાઓનો લાભ લઇ રાજય અને દેશના વિકાસમાં સહભાગી થવા જશવંતસિંહ ભાભોરે હાકલ કરતાં આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવી હતી.
આ પ્રસંગે ફતેપુરા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઇ કટારાએ જણાવ્યું હતું કે ગ્રામિણ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે ઝુંબેશ ઉપાડી છે તેમાં જાગૃતતા કેળવી લાભ લેવા સાથે સહયોગી બનીએ.
આ પ્રસંગે માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયારે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકાર આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. ત્યારે આ વિસ્તારમાં સીકલસેલ જેવી બિમારીમાં તથા અન્ય બિમારીમાં પીડાતા ગરીબ દર્દીઓને સંવેદના સાથે આરોગ્ય વિષયક સેવાઓનો લાભ અપાવવા અગ્રણી તથા કર્મયોગીઓને વિનંતી સાથે અપીલ કરી હતી.
કાર્યક્મમાં સ્વાગત પ્રવચન તથા જિલ્લાની આરોગ્ય વિષયક રૂપરેખા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. જે.જે.પંડ્યાએ તથા આભારવિધિ ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા. કે.આર.હાંડાએ કરી હતી.
જ્યારે પ્રાથમિક શાળામાં ધો. ૭ માં ભણતી કુ. મિતલ હજુરીએ ઘટતા જતા સ્ત્રીના દર, ભૃણ હત્યા અને ઓછા સ્ત્રી સાક્ષરતા દર પર ચિંતા વ્યક્ત કરતાં બેટી બચાવો- બેટી વધાવો વિષય ઉપર અસરકારક પ્રતિભાવો આપી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે કુપોષિત માતા-બાળકોના આરોગ્ય માટે પોષણયુક્ત કિટ્સનું મંત્રી મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી તથા મહાનુભાવોનું આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઇ.એમ.ઓ. ર્ડા. દિલીપ પટેલ, મેડિકલ ઓફિસર ર્ડા. વિનોદ ડિંડોડ, જિલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્રભાઇ સોની, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ પ્રફુલ્લભાઇ ડામોર, તાલુકા પ્રમુખ યોગેશભાઇ પારગી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગીતાબેન ડામોર, સરપંચ શ્રીમતી રમીલાબેન ચંદાણા, અગ્રણી સર્વે રવજીભાઇ મછાર, કિર્તીપાલ ચૌહાણ, હરપાલસિંહ ચૌહાણ, કલાભાઇ મછાર, આજુબાજુના ગામોના સરપંચો, જિલ્લા તાલુકાના સદસ્યો – અધિકારીઓ – પદાધિકારીઓ, અગ્રણીઓ, આરોગ્ય – આઇ.સી.ડી.એસ.ના અધિકારી – કર્મચારીઓ, આંગણવાડી – આશાવર્કર બહેનો ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મંત્રી, મહાનુભાવોના હસ્તે મોટા નટવા પ્રાથમિક શાળાના રૂા. ૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક વર્ગખંડનું ખાતમુર્હૂત પણ મંત્રી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.