- રાષ્ટ્રીય મહત્વના સ્મારક એવા શિવમંદિર આસપાસ ૩.૫૦ હેક્ટર વિસ્તારમાં ૩૫૦૦ વૃક્ષો વાવવાનું સામાજિક વનીકરણ વિભાગનું આયોજન
- ૭૧માં વનમહોત્સવમાં દાહોદ જિલ્લામાં ૫૧,૯૨,૪૪૭ રોપાઓનું વાવતેર કરાશે, હરિયાળું દાહોદ, સમૃદ્ધ દાહોદની દિશામાં નક્કર કદમ.
ગુજરાત રાજયમાં આ વર્ષે ૧૦ કરોડ રોપાઓ વાવીને ૭૧માં વનમહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે દાહોદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગે પણ ૫૧,૯૨,૪૪૭ વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંકની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. સાથે વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને વધુ એક નવલું નજરાણું વિશેષ ભેટ તરીકે મળનાર છે. ઔષધ વન રાબડાલ બાદ હવે શિવ મંદિર, બાવકાના ૩.૫૦ હેક્ટર વિસ્તારમાં ૩૫૦૦ વૃક્ષો વાવીને નંદનવન ઉભું કરવામાં આવશે. બાવકાનું પ્રસિદ્ધ શિવમંદિર ભારતના રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાંનું એક છે.
ગુજરાતના જ પનોતા પુત્ર ક.મા. મુનશી વનમહોત્સવના પ્રણેતા છે. તેઓ જયારે કેન્દ્ર સરકારમાં કૃષિ અને અન્ન પ્રધાન હતા ત્યારે તેમણે પોતાના પર્યાવરણ પ્રત્યેના લગાવને કારણે વન મહોત્સવ ઉજવવાની શરૂઆત વર્ષ ૧૯૫૦ થી કરી હતી. આ વર્ષે પણ રાજય સરકાર આ પરંપરાને ચાલુ રાખીને રાજયને વધુ હરિયાળું કરવા પ્રતિબદ્ધ છે ત્યારે દાહોદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગે પણ જિલ્લાને વધુ હરિયાળું બનાવવા કમર કસી છે. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક આર.એમ. પરમારે જણાવ્યું કે, નાગરિકો, વિવિધ સંસ્થાઓનો સહયોગ લઇને આ વર્ષે ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ થકી ૫૧ લાખથી પણ વધુ રોપાઓ વાવી જિલ્લાને હરિયાળું કરશે. જેમાં ખાતાકીય વાવેતર થકી વિભાગ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા વિસ્તરણ રેન્જના ૫૯ સ્થળો ઉપર કુલ ૨૩૨ હેક્ટર વિસ્તારમાં ૧,૮૨,૩૧૦ રોપાઓનું વાવેતર કરશે. જયારે બારીયા વન વિભાગ જિલ્લાની વિવિધ નર્સરીના ૮૩ સેન્ટરોની ૧૨૩૮ હેક્ટર વિસ્તારમાં ૧૪,૮૫,૧૩૭ રોપાઓનું વાવેતર અને વિતરણ કરાશે.
આ ઉપરાંત વિભાગ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત જિલ્લાના ૬૨૦ લાભાર્થીઓના ૪૯૦ હેક્ટર વિસ્તારમાં ૪,૯૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. જયારે એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત ૧૬૩૫ લાભાર્થીના ૧૨૨૫ હેક્ટર વિસ્તારમાં ૧૨,૨૫,૦૦૦ રોપા વવાશે. સાથે ફાર્મ ફોરેસ્ટ્રી વાવેતર હેઠળ ૬૭૮ લાભાર્થીઓના ૬૨૫ હેક્ટર વિસ્તારમાં ૬,૨૫,૦૦૦ રોપાઓનો ઉછેર કરાશે. લોકસહયોગ થકી વનમહોત્સવની ઉજવણીઓમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ૧૮૧ ગામોની ૩૩.૪૦ હેક્ટર વિસ્તારમાં ૩૩૪૦૦ રોપાઓનું વાવેતર કરાશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાના ૯ સ્થળોના ૯.૨૫ હેક્ટર વિસ્તારમાં ૯૨૫૦ રોપાઓનો ઉછેર કરાશે. સાથે નીલગીરી કલોનલના ૫,૦૦,૦૦૦ રોપાઓનું વેચાણ કરવામાં આવશે. આ વખતના વનમહોત્સવની ઉજવણી જૂજ સંખ્યામાં નાગરિકો સાથે, કોરોના સંક્રમણ બાબતની તમામ માર્ગદર્શક સૂચનાઓના પાલન સાથે કરવામાં આવશે.