- સામાન્ય નાગરિકને યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે એ પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે – મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા
- વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ભારત સરકારની ૧૭ યોજનાઓ અને ગુજરાત સરકારની ૫ યોજના ઓનો લાભ આપવામાં આવશે – મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા
- મંત્રીનાં હસ્તે લાભાર્થીઓને પ્રતિકાત્મક ચેક / સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.
- સંકલ્પ યાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયો, વિકસિત ભારત પ્રતિજ્ઞા લેવા
- પશુરોગનિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પનો મંત્રી અને મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો
દાહોદ જિલ્લાનાં ધાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતેથી મત્સ્ય ઉદ્યોગ,પશુપાલન અને ડેરી ઉદ્યોગ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે બિરસા મુંડાની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવાયો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને એક તાંતણે બાંધી સંપૂર્ણ વિકાસ થાય, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સરકારની દરેક યોજનાઓનો સંપૂર્ણ રીતે અમલ થાય, દરેકને લાભો અને જાણકારી મળે તે માટે આઝાદીની લડતમાં શહીદી વહોરી અને આદિવાસીઓના કલ્યાણ માટે અનેક કાર્યો કરનાર ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની ૧૪૮મી જન્મજયંતિ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે એમ જણાવતાં મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકને અનેકવિધ યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે એ પ્રધામંત્રીનું સ્વપ્ન છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ તૈયારીઓ કરી છે ત્યારે, આપણે સારા અને કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે ફરજો બજાવી ભારત ઊંચાઈઓ સર કરે એમા ભાગીદાર બનીશું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે. યાત્રા દરમિયાન દાહોદ જિલ્લામાં સૌ ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરીને આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં આગામી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરવાની છે. આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. કાર્યક્રમમાં સૌએ ઝારખંડથી પ્રધાનમંત્રીના કાર્યક્રમનું સીધું પ્રસારણ નીહાળ્યું હતુ.
દહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના અભિનંદન આપી પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. કલેકટર શ્રી ડો હર્ષિત ગોસાવી એ શાબ્દિક ઉધબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારમાં કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ ભવાની પ્રસાદ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા પંચાયતના સભ્યો, ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ, નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી બીશાખા જૈન, પશુપાલન નિયામક ડો કે.એલ. ગોસાઇ, જિલ્લા પ્રોગામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, અગ્રણી શંકરભાઇ અમલીયાર સહિત વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓ – કર્મચારીઓ લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.