THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ બી.પી. પતીએ મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં થઇ રહેલા વિકાસ કાર્યોની આજે સમીક્ષા કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આંકાક્ષી જિલ્લા તરીકેના વિવિધ સૂચકાંકોમાં હાંસલ કરેલા લક્ષ્યાંકો તેમજ થઇ રહેલી કામગીરીનો એક પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિતાર આપ્યો હતો. કેન્દ્રિય પ્રભારી સચિવશ્રીએ વિવિધ સૂચકાંકોના લક્ષને વિકાસનું સાતત્ય જાળવી રાખીને હાંસલ કરવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, મહત્વાંકાક્ષી જિલ્લા તરીકે દાહોદ આખા દેશમાં ૧૧૨ જિલ્લા પૈકીનો એક છે. જિલ્લામાં આરોગ્ય, કૃષિ, શિક્ષણ સહિતનાં સૂચકાંકોમાં લક્ષ પ્રાપ્ત કરવા સાતત્યપૂર્ણ વિકાસ જરૂરી છે. દેશમાં આંકાક્ષી જિલ્લા તરીકેના રેન્કિંગમાં પણ દાહોદ અગ્રીમ છે પરંતુ તેણે સતત ઉંચા રેન્કમાં રહેવું જોઇએ. સાતત્ય થકી જ વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચશે.
તેમણે જિલ્લામાં બાગાયતી પાકો તેમજ પ્રાકૃતિક કૃષિ વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે પણ સૂચન કર્યું અને જિલ્લામાં ફૂડ પ્રોસેસીગ ક્ષેત્રે પણ આગળ આવવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા આયોજન અધિકારી ગેલાત, જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ, નાયબ પશુપાલન નિયામક ડો. કમલેસ ગોસાઇ, જિલ્લા ખેતીવાડી અધિકારી સુથાર, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર, લીડ બેન્ક મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.