મુખ્યમંત્રી એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજના અંગેની ચર્ચા-સમીક્ષા બેઠક દાહોદ જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજનાનો મુળભૂત હેતુ શાળા છોડી ગયેલા ઉમેદવારો, આઇ.ટી.આઇ, ડિપ્લોમા, ડિગ્રી પાસ, ઉમેદવારોને ખાનગી કે જાહેર ક્ષેત્રના ઔધોગિક / સેવાકીય એકમો ખાતેની ઓન જોબ ટ્રેનિંગ સુવિધાનો મહત્તમ લાભ આપી તેમને કૌશલ્ય કુશળ બનાવવા, જુદા જુદા વ્યવસાયોમાં ઔધોગિક / સેવાકીય એકમોના સહકારથી સૈધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉધોગ / સેવાકીય એકમો માટેનું કુશળ માનવ ઉભુ કરવું તે માટેનો છે. ત્યારે જુદા જુદા વિભાગો દ્વારા એપ્રેન્ટ્રીસશીપની તાલીમ માટે ઉમેદવારોને તૈયાર કરવાના રહેશે. જિલ્લાને ૧૦૦૦ ફાળવેલ બેઠકોનો લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. જેમાં જી.આઇ.ડી.સી., શ્રમ રોજગાર અધિકારી અને જિલ્લા ઉધોગ કેન્દ્રએ વધુને વધુ ઉમેદવારોને તાલીમ દ્વારા તૈયાર કરવા અનુરોધ કર્યો હતો.
દાહોદ જિલ્લા ઔધોગિક તાલીમ સંસ્થાઓના નોડલ આચાર્યશ્રી એમ.કે.માવીએ સમગ્ર બેઠકનું સંચાલન કરતાં વધુ ને વધુ ઉમેદવારો એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજનામાં જોતરાય તે માટે ઝુંબેશના ધોરણે સહયોગી બનવા જણાવ્યુ હતુ. આ બેઠકમાં જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મનેજર પી.એમ.હિંગુ, નગર પાલિકા મુખ્ય અધિકારી રાયચંદાણી, જિલ્લા રોજગાર અધિકારી આર.એન.પટેલ, જિલ્લાની જુદી જુદી આઇ.ટી.આઇના આચાર્યઓ, ફુડ એન્ડ ડ્રગ્સ અધિકારી તથા સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.