મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “સંપૂર્ણતા અભિયાન સમારોહ” યોજાયો
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને આદિવાસી વિસ્તારના જન – સામાન્ય સુધી યોજનાઓ પહોંચે એ માટે “સંપૂર્ણતા અભિયાન” શરુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “સંપૂર્ણતા અભિયાન સમારોહ” યોજવામાં આવ્યો હતો.
આ સમારોહ દરમ્યાન એસ્પીરેશલ ડીસ્ટ્રીકટ હેઠળ આવતા જિલ્લાઓમાં કરવામાં આવેલ નોંધનીય કામગીરી માટે જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે મેડલ તેમજ સર્ટીફીકેટ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્તમાન તેમજ તત્કાલીન કલેક્ટરોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ – ૨૦૨૪ થી સપ્ટેમ્બર – ૨૦૨૪ સુધીના ૩ માસ દરમિયાન આયોજિત “સંપૂર્ણતા અભિયાન” માં દાહોદ જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત રાજ્ય કક્ષાના સન્માન સમારોહમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને ગોલ્ડ મેડલ અને સર્ટીફીકેટ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
“સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, ગૃહ અને રોજગાર જેવા ક્ષેત્રોમાં ચોક્કસ સુચકાંકો હેઠળ છેવાડાના નાગરિકોને આવરી લેવાના હેતુથી યોજવામાં આવ્યું હતું. આદિવાસી વિસ્તાર એવા દાહોદ જિલ્લાની આ ઉપલબ્ધિ એ આકાંક્ષી જિલ્લા તરીકે રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે દાહોદને નોંધનીય ગૌરવ અપાવ્યું છે.