- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે દાહોદ જિલ્લાને મળશે વિવિધ વિકાસના પ્રકલ્પો – રૂ. ૩૦૦ કરોડથી પણ વધુના વિકાસકાર્યોની ભેટ
- દાહોદ જિલ્લાના સીંગવડ ખાતેથી આજે વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તા. ૧૦ માર્ચના રોજ દાહોદ જિલ્લાના એક દિવસિય પ્રવાસ દરમ્યાન સીંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડીંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરશે. ઉપરાંત સીંગવડ – દાસા સ્થિત કોમ્યુનિટિ હોલની બેઠકમાં પણ સહભાગી થશે.
દાહોદને રૂ. ૩૦૦ કરોડથી પણ વધુના વિકાસકાર્યોની ભેટ મળશે તેમાં દાહોદના લગભગ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેવામા આવશે. અમૃતકાળમાં ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટીવાળો રથ દેશ અને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યો છે જેનાથી વંચિતો તથા ગરીબોને મળવાપાત્ર લાભ તેઓના ઘર સુધી પહોંચાડ્યો છે.૧૫ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી ૪ કરોડ ૭૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે એ સાથે અનેકવિધ એવા અંદાજિત ૩૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
જેમા આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીંગવડ તાલુકા ખાતે ૨૧ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ૧૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ૭૪ જેટલાં નવીન પંચાયત ઘરના લોકાર્પણ, સીંગવડ ખાતે આશરે ૩ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ, ૬૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલ ૨૦ સામુહિક શૌચાલયનું લોકાર્પણ, ૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામુહિક કંપોસ્ટ પીટનું લોકાર્પણ, ૪૯ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ૭૦ પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
ઉપરાંત દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં તેમજ રિસર ફેસીંગ ઓફ દાહોદ, ધામરડા, બોરડી, ટાંડા, ઉકરડી, જાંબુઆ, આગાવાડા, રાજપુર, ભાટીવાડા, ગરબાડા, ગાંગરડી, લીમડી, સુથારવાસ રોડ, સંજેલી વાયા કરમ્બા રોડ, જસુણી, ગલનાપડ, માંડલી એપ્રોચ રોડ, ભીટોડી, ડભાસા, નાની ઢઢેલી, નાના બોરીદા, વરુણા એમ વિવિધ તાલુકાઓમાં રોડ, શહેરની બલ્ક પાણી પુરવઠા સુધારણા યોજના, ડમ્પિંગ સાઈટમાં લેગાસી વેસ્ટના નિકાલ, મોડલ ફાયર સ્ટેશન જેવી અન્ય વિવિધ વિકાસના અનેક પ્રકલ્પોનું ભુમિપુજન કરી દાહોદ જિલ્લાને રૂ. ૩૦૦ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ અપાશે.
વિકાસકાર્યોના લોકાર્પણ માટેના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેરભાઇ ડીડોર, રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે.
ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઇ ભાભોર, ગરબાડા ધારાસભ્ય મહેંદ્રભાઇ ભાભોર, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, સહિત વિવિધ વિભાગના અધિકારી, પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહેશે.