- ગુજરાત રાજયમાં વ્યવસ્થાને બે ઝોનમાં જાહેર કરવામાં આવી એક કન્ટેનમેન્ટ ઝોન અને બીજો નોન કન્ટેનમેન્ટ ઝોન.
- રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ, રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ.
- તા.૧૯/૦૫/૨૦૨૦ ને મંગળવારથી તા.૩૧/૦૫/૨૦૨૦ રવિવાર સુધી ગાઇડલાઇન્સનો રાજ્યમાં અમલ કરાશે .
- લોકડાઉનના ત્રણ તબક્કામાં જનતા જનાર્દને જે સહયોગ-સહકાર-નિયમ પાલન કર્યા છે તેનો આભાર
- ગરીબ-શ્રમિક-રોજનું કમાઇને રોજ ખાનારા લોકો-મધ્યમવર્ગો-ખેડૂતો સૌનો સર્વગ્રાહી વિચાર-સાથો સાથ કોરોનાથી સુરક્ષિત રહીને રાજ્યમાં જનજીવન પૂન: ધબકતું, વેપાર-ઊદ્યોગ ફરી વેગવંતા કરવા છે.
- કોરોના સામેની લડાઇ લાંબી છે. -સૌ સાથે મળી સારી આદતો કેળવી કોરોનાને મ્હાત કરીશું.
- નાગરિકોને માસ્ક સરળતાએ મળે તે માટે N-95 અને ત્રિપલ લેયર માસ્કનું રાજ્યમાં અમૂલ પાર્લર પરથી વ્યાજબી કિંમતે ક્રમશ: વેચાણ કરવામાં આવશે.
- પ્રથમ તબક્કે અમદાવાદમાં માસ્કના વેચાણ બાદ તબક્કા વાર રાજ્યના અન્ય સ્થળોએ એક નંગ N-95 માસ્ક રૂ.૬૫/- અને ત્રિપલ લેયર માસ્ક પ્રતિ માસ્કના રૂ.પ/- ના દરે અમૂલ પાર્લર પરથી વેચાણ થશે.
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
- કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર.
- સમગ્ર ગુજરાતમાં કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ.
- કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી કરફ્યુનો કડક અમલ કરાવાશે.
- અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષા ચાલુ કરવા દેવાશે.
- સમગ્ર ગુજરાતમાં એસ.ટી. બસો શરૂ કરી દેવાશે, પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહિં.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ૪ દિવસથી લોકડાઉનની સ્થિતીમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લોકડાઉન ૧, ર અને ૩ ના નિયમોના પાલન બાદ હવે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્રીન, રેડ, યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરવા સૂચવેલું છે. ગુજરાતમાં રાજ્ય સરકારે આવા ઝોનમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને નોન કન્ટેઈનમેન્ટ ઝોનના આધાર ઉપર નિયમોમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪ માટેની ગાઇડ લાઇન આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી.
————————————————————————————–
જિલ્લા કલેક્ટર વિજય ખરાદી દ્વારા આજે તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ દાહોદ શહેરના જૂની કોર્ટ રોડની પાછળ આવેલ નાના ડબગરવાડ વિસ્તારમાં એક સાથે ત્રણ મહિલાઓને કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારને Covid-19 કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન તથા અન્ય જીવન જરૂરીયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરી થી તેમના ઘરે પૂરું પાડવામાં આવશે. અને ઉક્ત વિસ્તાર માટે નીચે મુજબની અમલવારી કરાવવાની રહેશે. જેમાં (૧) આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને પર થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. (૨) આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. (૩) આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવનજાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે. (૪) જરૂરી બેરિકેટીંગ કરવાનું રહેશે. (૫) કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં SOP અનુસાર સર્વેલન્સ, ટેસ્ટિંગ, સેનીટાઇઝર સહિતની કામગીરી કરવાની રહેશે. (૬) આવશ્યક ચીજ-વસ્તુઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પૂરી પાડવાની વ્યવસ્થા ચીફ ઓફિસર દાહોદ એ ઉક્ત વિસ્તારમાં મામલતદાર ના સંકલનમાં રહીને કરવાની રહેશે.
દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ઉપર મુજબ જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ એરીયા ઉપરાંત જુની કોર્ટ રોડ, ગૌશાળા, દૌલત ગંજ બજાર અને નાના ઘાંચીવાડ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરી આ વિસ્તારની હદને સીલ કરવામાં આવે છે. આ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ/ સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે સવારે ૦૭:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન જ મુક્તિ આપવામાં આવશે તથા આ જાહેરનામાના હુકમ તથા અમલવારીનો સમય હુકમ તા.૧૮/૦૫/૨૦૨૦ થી તા.૧૪/૦૬/૨૦૨૦ ને રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી બંને દિવસો સહિત અમલ કરવાનો રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮, તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ ૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. દાહોદ જિલ્લામાં ફરજ પરના હાજર એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી અને તથા આરોગ્ય વિભાગના અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારા ઈસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવે છે.
————————————————————————————–
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉન – ૪ માટે જાહેર કરેલ ગાઇડલાઇન-નિયમો મુખ્યત્વે જે છે તે મુજબ જ સમગ્ર દાહોદ જીલ્લામાં અને શહેરમાં તેનો અમલ કરવાનો રહેશે તેવું જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું છે.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જાહેરમાં માસ્ક ફરજીયાત બનાવાયા છે ત્યારે લોકોને માસ્ક સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકારે ગોઠવી છે.