રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ નગર દ્વારા આજે પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ગોવિંદ નગર ખાતે સાંજે ૦૫:૦૦ વાગ્યાથી હિન્દુ નવ વર્ષનો “વર્ષ પ્રતિપદા ઉત્સવ” નો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સમિતિની બહેનો, નગરજનો, જનપ્રતિનિધિઓ અને નગરના ગણમાન્ય સજ્જનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ માણ્યો હતો.
ચૈત્ર સુદ એકમ વર્ષ પતિપદા ઉત્સવ એ હિન્દુ નવ વર્ષ તરીકે ભારતભરમાં મનાવવામાં આવે છે ત્યારે રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ જિલ્લા દ્વારા જિલ્લાના જુદા જુદા એકમો ઉપર દર વર્ષે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, આ વર્ષે દાહોદ નગરના નગરજનોને આ દિન વિશેષની વધુ માહિતી મળે અને રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ચાલતી બહેનોની શાખામાં વ્યક્તિ નિર્માણની પ્રક્રિયા સૌ જાણે તે માટેનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં વર્ષ પ્રતિપદા દિન વિશેષની પ્રદર્શનની, સેવિકા સમિતિની બાલિકાઓ દ્વારા સ્વરક્ષણ તાલીમનું નિદર્શન, રાજા વિક્રમાદિત્યનું લઘુ નાટક અને ઘોષવાદન (બેન્ડ) કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રીરામ બેંક દાહોદના મેનેજર શ્રી દિલીપસિંહ ચૌહાણે કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું જેમાં સ્ત્રી શક્તિને ઉજાગર કરવાના સમિતિના કાર્યને બિરદાવ્યું હતું, કાર્યક્રમના મુખ્ય વક્તા એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પંચમહાલ વિભાગના વિભાગ સહકાર્યવાહ રણવીરસિંહ બારીયાએ વર્ષપ્રતિપદા ઉત્સવ નિમિત્તે વક્તવ્ય આપ્યું હતું, જેમાં વર્તમાન સમયમાં સંઘ દ્વારા સામાજિક પરિવર્તન માટેના પંચ પરિવર્તનના મુદ્દાઓ પૈકી કુટુંબપ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા અને સ્વદેશી જેવા વિષયોને નગરજનો સમક્ષ મૂક્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદ નગર અને આસપાસના વિસ્તારોના ભાઈઓ, બહેનો અને બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ નગરના નગર કાર્યવાહીકાv નીલમબેન ભટ્ટે સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે શ્રી સરસ્વતી શિશુ મંદિર, દાહોદની વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ વંદે માતરમનું ગાન કરાવાયું હતું.