THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

રાષ્ટ્ર સેવિકા સમિતિ, પંચમહાલ વિભાગ દ્વારા 13 વર્ષથી વધુ વયની બહેનો માટે પાંચ દિવસીય નિવાસી તાલીમ એવો “પ્રારંભિક વર્ગ” એકલવ્ય સ્કૂલ, ખરેડી ખાતે યોજાયો. 27,ઓક્ટોબર થી 02,નવેમ્બર-2025 સુધી ચાલેલા આ પ્રશિક્ષણ વર્ગમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાની કુલ 94 બહેનો દ્વારા પ્રશિક્ષણ લેવામાં આવ્યું.
આ વર્ગમાં સવારે 5 વાગ્યા થી રાત્રીના 10 વાગ્યા સુધીમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં સવાર અને સાંજે એક- એક કલાકની શારીરિક તાલીમ તરીકે શાખા, ચર્ચા, પ્રોજેક્ટ નિર્માણ, વિવિધ વિષયો ઉપર વર્કશોપ, વિવિધ વિષયો ઉપર બૌદ્ધિક ભાષણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. વર્ગમાં તેઓએ પોતાના કામો જાતે કરવાના હતાં અને તેનાં માટેની પોતાની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પણ સાથે લઈને આવવાનું હતું. 94 બહેનોએ આ વર્ગમાં સામુહિકતાના પાઠ પણ શીખ્યા હતા. આ વર્ગમાં પ્રાંત અધિકારી તરીકે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રાંત સેવા પ્રમુખ શ્રીમતી નીતાબેન દોષી પૂર્ણ સમય વર્ગમાં માર્ગદર્શક અને વાલી તરીકે રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર સેવિકા સમિતિ દર વર્ષે આ પ્રકારનાં પ્રશિક્ષણ વર્ગો દ્વારા મહિલાઓમાં આત્મનિર્ભરતા, નીડરતા, સ્વરક્ષણ ક્ષમતા જેવાં ગુણોનું સિંચન અને વર્ધન થાય અને તેમનામાં રહેલી ઉર્જાનું સાચી દિશામાં કેન્દ્રીકરણ થાય, આત્મવિશ્વાસ પ્રજ્વલિત થાય, માતૃત્વ, નેતૃત્વ અને કર્તૃત્વના ગુણો વિકસે તેમજ શારીરિક, માનસિક-બૌદ્ધિક, અને આધ્યાત્મિક ક્ષમતા વધે અને રાષ્ટ્ર પ્રેમની ભાવના પ્રબળ બને તે માટે પ્રયાસરત રહે છે.
આ વર્ગનાં અંતિમ દિવસે દિનાંક 01,નવેમ્બરે સાંજે 5:30 કલાકે વર્ગનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલીમ લીધેલી બહેનોએ વિવિધ પ્રકારનાં કાર્યક્રમો લોકો સમક્ષ દર્શાવ્યા હતા જેમાં સ્વરક્ષણ માટેના લાઠીના ચલાવવાનાં પ્રયોગો, નિ:યુદ્ધ એટલે કે કરાટેના પ્રયોગો, યોગચાપ એટલે કે લેઝીમનાં પ્રયોગો, યોગ અને નાની લાઠી એવી યષ્ટીના પ્રયોગો દર્શાવ્યા હતા જેને જોઈને આવેલાં તમામ આમંત્રિત લોકો ખૂબ જ અભિભૂત થયાં હતાં. કાર્યક્રમ નિહાળવા માટે દાહોદ જિલ્લાના વિવિધ સ્થાનો ઉપરથી 150 જેટલાં ભાઈઓ-બહેનો આવ્યાં હતાં. વર્ગનાં આ સમાપન સમારોહમાં અતિથિ તરીકે દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપિકા શ્રીમતી અનુરાધાબેન શર્મા ઉપસ્થિત રહીને સમારોપ કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમનાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્ર સેવિકા સમિતિ ના ગુજરાત પ્રાંતના પ્રાંત કાર્યવાહિકા શ્રીમતી નીતાબેન પ્રજાપતિ પાટણથી ઉપસ્થિત રહ્યાં હતાં, તેમણે સમિતિ ના કાર્યોની વાતો કરતાં સમાજમાંથી વધુમાં વધુ બહેનોને સમિતિ સાથે શા માટે જોડાવું જોઈએ અને કેમ સમિતિ કાર્યની જરૂરિયાત છે તેની વાત સમાજનાં લોકો સમક્ષ વિવિધ ઉદાહરણો દ્વારા કરી સમિતિ સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. પ્રશિક્ષણ વર્ગનાં વર્ગ અધિકારી શ્રીમતી મનિષાબેન પટેલે વર્ગનું સંખ્યાત્મક વૃત્ત રજૂ કર્યું હતું અને આ પ્રશિક્ષણ વર્ગનાં વર્ગ કાર્યવાહિકા તરીકે રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ જિલ્લાનાં જિલ્લા કાર્યવાહિકા શ્રીમતી સોનાબેન સોનીએ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
દિનાંક 02, નવેમ્બરે સવારે 8 કલાકે વર્ગનાં અંતિમ સત્ર બાદ વર્ગ પૂર્ણ થયો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં શાળા વિદ્યાર્થીનીઓ, કોલેજ અભ્યાસ કરતી તરુણીઓ, ગૃહિણીઓ, શિક્ષિકાઓ, વ્યવસાયી બહેનો એમ તમામ પ્રકારનાં બહેનોએ તાલીમ લીધી હતી. જેમાં દાહોદ જિલ્લાનાં 58, પંચમહાલ જિલ્લાના 14 અને મહીસાગર જિલ્લાના 22, એમ ત્રણેય જિલ્લાના 17 તાલુકામાંથી કુલ 94 શિક્ષાર્થી બહેનો, 11 તાલીમ આપનાર શિક્ષિકાઓ, 14 પ્રબંધિકાઓ ઉપરાંત 04 સમિતિના અધિકારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


