EDITORIAL DESK – DAHOD
– ઉત્તમ શિક્ષક એ અન્ય શિક્ષકો અને ભાવિ પેઢી માટે મોડેલરૂપ બને છે.
– શિક્ષક જ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી શકે છે.
– જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમાર
શિક્ષણની સાથે સમાજ ઉત્થાનમાં વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોની કામગીરીને કલેક્ટરશ્રીએ બિરદાવી
દાહોદ જિલ્લાના લીમડી ખાતે લીમડી લાયન્સ કલબ ઓફ લીમડી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ ઝાલોદ તાલુકાના કારઠ, ગ્રામ સેવા મા.અને ઉ.મા વિધાલય ખાતે યોજાયો હતો. જેનું ઉદધાટન ડી.ગવર્નરશ્રી ૩૨૩૨ એફ/ ૧ લા. પરિમલ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે બાળક, વિધાર્થી, વ્યક્તિ, કુટુંબ, સમાજ, ગામ, રાજ્ય અને દેશના વિકાસમાં તથા તમામ ક્ષેત્રના વિકાસમાં શિક્ષકોનો મહત્વનો ફાળો રહેલો છે. તે માટે જ શિક્ષક દિન ૫ મી સપ્ટેમ્બર દર વર્ષે ઉજવાય છે. અન્ય કોઇ હોદાના સન્માન માટે વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવતી નથી. ઉત્તમ શિક્ષક એ અન્ય શિક્ષકો અને ભાવિ પેઢી માટે મોડેલરૂપ બને છે. શિક્ષક જ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી શકે. તે માટે વર્ગખંડમાં આવતા દરેક બાળકને પ્રોત્સાહિત કરવા કલેક્ટરશ્રીએ આ તબક્કે ખાસ વિનંતી સાથે અપેક્ષા વ્યક્ત કરી હતી. કારણ દરેક બાળકમાં એક સરખી શક્તિઓ નથી હોતી. જો તેના પર દુર્લક્ષ્ય સેવવામાં આવે તો તે બાળકનો વિકાસ રૂંધાઇ જાય. જિલ્લામાં અંધશ્રધ્ધા જેવી બદીને દૂર કરવા બાળકોને શિક્ષણની સાથે વિજ્ઞાન ટેકનોલોજી તરફ વાળવામા આવે. તો ઘણા સારા પરિણામો હાંસલ કરી શકાય. તે માટે આ શાળામાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવાની ખાત્રી આપી હતી. માટે બાળકને ભણવામાં રસ ન હોય તો તેને કૌશલ્ય તાલીમ માટે પ્રોત્સાહિત કરવું જોઇએ. જેથી તે ભવિષ્યમાં પોતાનો વિકાસ કરી જીવન નિર્વાહ કરી શકે. તેમને બાળકોને આત્મવિશ્વાસ કેળવવા આહ્વાન કર્યુ હતુ. જ્યારે શિક્ષકોને ટકોર કરતાં જણાવ્યું હતુ કે, શિક્ષકો વ્યસનથી મુક્ત રહે જેથી બાળકમાં તેવી ટેવ પડે નહીં.
આ પ્રસંગે ડી.ગવર્નરશ્રી ૩૨૩૨ એફ/ ૧ લા. પરિમલ પટેલે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે શિક્ષક બાળકને દિશા બતાવવાનું ઉત્તમ કાર્ય કરે છે. બાળકને સંસ્કારો- શિક્ષણ સાથે તેના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેનું કાર્ય કરે છે. ત્યારે શિક્ષકે આ છેવાડાના ગરીબ, આદિવાસી બાળકો પરત્વે સંવેદના સાથે પોતાની ફરજો અદા કરશે તો શિક્ષક દિનની ઉજવણીનો મુળભૂત હેતુ સિધ્ધ થયો ગણાશે. તેમને લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિની જાણકારી આપી હતી.
આ કાર્યક્મમાં ઝાલોદ તાલુકાના પસંદ થયેલા શ્રેષ્ઠ ૧૬ શિક્ષકોના સન્માન સાથે બાળકોને શિક્ષણ આપવાની સાથે સમાજ ઉત્થાનમાં અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રેષ્ઠ શિક્ષકોનું પણ આ તબક્કે કલેક્ટરશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી તથા મહાનુભાવોએ શાળાના બાળકો દ્વારા તૈયાર કરાયેલ ઐતિહાસિક ચિત્રો સાથેના વર્ગખંડનું નિરિક્ષણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ જૈન, આભાર દર્શન શાળાના નિવૃત આચાર્ય અને લા.બી.એમ.જાટવાએ તથા સમગ્ર કાર્યક્મનું સંચાલન શાળાના મુખ્ય શિક્ષકશ્રી લા. કેતન દવેએ કર્યુ હતુ.
આ કાર્યક્મમાં યોજના સહ તાલુકા વિકાસ અધિકારીશ્રીમતી કેલાશબેન ભગોરા, મામલતદારશ્રી ડાહ્યાભાઇ વણકર, રીજીયન ચેરમેનશ્રી લા.મુકેશ સોની, લા. હસુમતીબેન, ક્લબના અન્ય હોદેદારો, શાળાના આચાર્યશ્રી એમ.વી.પટેલ, શિક્ષક ગણ, વિધાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.