EDITORIAL DESK – DAHOD
માદરે વતન ચૈડીયા ખાતે CRPF નૌજવાન સ્વ. સોમાભાઇ નરસીંગભાઇ તડવીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી સાથે રાષ્ટ્રીય સન્માન અપાયુ.
કેન્દ્રીય આદિજાતિ રાજયમંત્રી પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી જિલ્લા પ્રશાસન સહિત જિલ્લા- તાલુકાના અધિકારી-પદાધિકારીઓ અને ગ્રામજનોએ પાર્થિવ દેહને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
CRPF નૌજવાન સ્વ. સોમાભાઇ તડવીના પાર્થિવ દેહને તેમના પુત્રોએ રેપીડ એક્શન ટીમ અને મહાનુભાવોની હાજરીમાં અગ્નિ સંસ્કાર આપ્યો
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા ચૈડીયા ગામના સ્વ. સોમાભાઇ નરસિંગભાઇ તડવી ઉમર ૩૮ વર્ષ કે જેઓ ગાંધીનગર ખાતે ૨૦૦૩માં તાલીમ મેળવ્યા બાદ ઓરિસ્સા રાજ્યના ભુવનેશ્વર ખાતે C.R.P.F. ૬૪- બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટીંગ થતાં તેઓ ત્યાં ફરજ બજાવતા હતા. તેઓનું ભુવનેશ્વર ખાતે તા.૧-૦૯-૨૦૧૭ ના રોજ સવારે ૫-૦૦ કલાકે હ્દયરોગનો હુમલો આવતાં જિલ્લાની હોસ્પિટલમાં સારવાર દરિમયાન દુઃખદ અવસાન થયું હતું. તેઓના પાર્થિવ દેહને પોસમોર્ટમની કાર્યવાહી કર્યા બાદ સાંજે ૭-૩૦ કલાકે એર ઇન્ડિયાના હવાઇ માર્ગે દિલ્હીથી અમદાવાદ ખાતે સવારે ૫-૦૦ કલાકે પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાંથી રસ્તા માર્ગે સવારે ૭-૩૦ કલાકે અમદાવાદ રેપીડ એક્શન ફોર્સના નવજવાન સૈનિકોની ટીમ સાથે સવારે ૧૧-૦૦ કલાકે તેઓના માદરે વતન ચૈડીયા ખાતે તેઓના પાર્થિવ દેહને પહોંચાડવામાં આવ્યો હતો.
માદરે વતન C.R.P.F. નૌજવાન કોન્સ્ટેબલ સ્વ. સોમાભાઇ તડવીના પાર્થિવ દેહને વિશાળ જનમેદની વચ્ચે અમદાવાદ રેપીડ એક્શન ફોર્સના નૌજવાનોએ ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી સાથે રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર, પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમાર, ડી.વાય.એસ.પી.શ્રી તેજશ પટેલ, લીમખેડા પ્રાંત અધિકારીશ્રી જે.કે.જાદવ સહિત જિલ્લા-તાલુકાના અધિકારી-પદાધિકારીઓ, અને ગ્રામજનોએ C.R.P.F. નૌજવાન સ્વ. સોમાભાઇ તડવીના પાર્થિવ દેહને શ્રધ્ધાસુમન અર્પણ કરી ભારે હ્દયે સંવેદના સાથે શ્રધ્ધાંજલી આપી હતી.
ત્યારબાદ મંત્રીશ્રીઓ તથા મહાનુભાવો, કુટુંબીજનો અને વિશાળ જનસમુદાયની વચ્ચે C.R.P.F. નૌજવાન સ્વ. સોમાભાઇ તડવીના પાર્થિવ દેહને તેમના પુત્રોએ રેપીડ એક્શન ટીમની હાજરીમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો.
ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર, પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથ કુમાર, લીમખેડા પ્રાંત અધિકારીશ્રી જે.કે.જાદવ તથા C.R.P.F. ના ડેપ્યુટી કમાન્ડર બલબીરસિંઘએ C.R.P.F. નૌજવાન સ્વ. સોમાભાઇ તડવીના માતા- પિતા, તેમના ધર્મપત્નિ સોકીબેન અને તેમના ચાર(૪) પુત્રોને મળી સાંત્વના આપી હતી. તેમના વિભાગ દ્વારા મળવાપાત્ર પેન્શન, ગ્રેજ્યુઇટી, જુથ વિમાના નાણા સહિત અન્ય, સવલતો માટે સમયમર્યાદામાં ઝડપથી જરૂરી કાર્યવાહી કરવા સહિત પુત્રને અને તેમની પત્નિને સ્વનિર્ભરતા માટેની કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.