બાળપણથી જ જો વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ લેવામાં આવે તો આગળ જતાં સારા પરિણામો મેળવી શકાય છે – નિવૃત્તાચાર્ય ગોપાલ શર્મા
મૂળ દાહોદ નિવાસી અને હાલ વડોદરા જઈને સ્થાયી થયેલા નિવૃત્તાચાર્ય ગોપાલભાઈ શર્મા દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જઈને ત્યાંની શાળાઓ અને કોલેજોમાં વ્યસન મુક્ત થવા માટેના વિવિધ કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓ વ્યસનથી થતા ગંભીર અને જીવલેણ પરિણામોને જાણે, સમજે અને વ્યસનથી દૂર રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની નૂતન હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ગોપાલભાઈ શર્માએ વ્યસન જાગૃતિ અભિયાન સ્વરૂપે કાર્યક્રમ યોજ્યો હતો. જે દરમ્યાન વિવિધ પોસ્ટર્સ અને ફોટાઓ થકી વિદ્યાર્થીઓને વ્યસન કરવાથી આપણા શરીરને થતી જીવલેણ બીમારીઓ અંગે સચિત્ર ઉદાહરણ સાથે વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
બાળપણથી જ જો વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ લેવામાં આવે તો આગળ જતાં સારા પરિણામો મેળવી શકાય છે એમ કહેતાં નિવૃત્તાચાર્ય ગોપાલ શર્માએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારનો નશો કરવો એ પણ એક પ્રકારનો રોગ જ છે, જેનાથી દૂર રહીને બાળકોએ પોતાના આવનાર ભવિષ્યને સુનિચ્ચિત કરવો જોઈએ તેમ તેમણે સમજાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગોપાલભાઈ શર્મા છેલ્લા કેટલાક સમયથી દાહોદ જિલ્લામાં વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાં જઈને જેમ બને તેમ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અન્ય અભ્યાસુઓ વ્યસનથી દૂર રહીને પોતાનું કરિયર તરફ ધ્યાન આપીને પોતે તેમજ અન્યોને પણ વ્યસનથી થતા પરિણામો વિશે માહિતી આપીને વ્યસનથી દૂર રહેવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે.