Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદલીમડી ખાતે ₹.૨.૧૭ કરોડના ખર્ચે R.C.C. ફેમ સ્ટ્રકચર વાળું નવિન બસ સ્ટેશનના...

લીમડી ખાતે ₹.૨.૧૭ કરોડના ખર્ચે R.C.C. ફેમ સ્ટ્રકચર વાળું નવિન બસ સ્ટેશનના બિલ્ડીંગનું ખાત મુર્હૂત કરતા રમત-ગમત યુવા પ્રવૃત્તિ અને વાહન વ્યવહાર રાજયમંત્રી ઇશ્વરભાઇ પટેલ

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ દ્વારા લીમડી ખાતે ₹.૨.૧૭ કરોડના ખર્ચે R.C.C. ફેમ સ્ટ્રકચર વાળું સુવિધાયુકત નિર્માણ પામનાર નવિન બસ સ્ટેશનનું ખાતમુર્હૂત રાજયના સહકાર, રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલોન) વાહન વ્યહાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લીમડી બસ સ્ટેશનના સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું.
નિર્માણ પામનાર નવિન બસસ્ટેશનનું શાસ્તોક્ત વિધિ સાથે ખાતમુર્હૂત કરતાં અને તક્તિનું અનાવરણ કરતાં રાજ્યના રમત-ગમત, યુવા પ્રવૃતિ અને વાહન વ્યવહાર રાજયમંત્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે પહેલાં એસ.ટી બસ સ્ટેશનના છાપરાવાળા મકાનો બનતા હતા. જેથી ચોમાસાની ઋતુમાં પાણી ગળતુ, કર્મચારીઓ અને મુસાફરોને તેનો ભોગ બનવું પડતુ. આજે રાજય સરકાર દ્વારા એસ.ટી.વિભાગના બસ સ્ટેશન અદ્યતન સુવિધાઓ સાથેના બની રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરામાં એરપોર્ટ ટાઇપના બસ સ્ટેશનોના ભવનો બનાવવામાં આવ્યા છે. મુસાફરોને ધ્યાનમાં રાખી જિલ્લાઓના બસ સ્ટેશનો બનાવવામાં આવી રહયા છે. ગુજરાત રાજ્યમાં મુસાફરોને અવરજવર માટે ૮૦૦૦ જેટલી બસો દોડે છે. જરૂરિયાત પ્રમાણે દર વર્ષે નવી બસોનો ઉમેરો કરવામાં આવે છે. ગોધરા એસ.ટી.વિભાગ દ્વારા ગત વર્ષે ₹.૨.૪૧ કરોડનો નફો કર્યો છે. જે બદલ ગોધરા એસ.ટી વિભાગની ટીમની કામગીરીને વાહન વ્યવહાર રાજયમંત્રીએ બિરદાવી હતી.

વધુમાં શ્રી પટેલે જણાવ્યુ હતુ કે લીમડી બસ સ્ટેશનનું ₹.૨.૧૭ કરોડના ખર્ચે R.C.C. ફેમ સ્ટ્રકચરવાળું સુવિધાયુકત નવિન બસ સ્ટેશનનું ભવન નિર્માણ પામશે. જેમાં ૫ (પાંચ) પ્લોટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ રૂમ, પાણીની પરબ, ઇન્કવાયરી તથા પાસ સુવિધા, ટ્રાફિક સ્ટાફ માટે ઓફિસ સુવિધા, પાર્સલ રૂમ, કેન્ટીન/કીચન, ડ્રાઇવર-કંડક્ટર રેસ્ટ રૂમ, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રીક રૂમ સહિત બસ સ્ટેશન પાર્કિગ વિસ્તાર, R.C.C. ફલોરીંગ, બોર વોટર સપ્લાય અને ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનો સમાવેશ થાય છે. રાજય સરકારની ગ્રાંટમાંથી છેલ્લા પાંચ વર્ષમાં દાહોદ, ઝાલોદ, લુણાવાડા, ફતેપુરા, હાલોલ, કાલોલ અને પાવગઢના કુલ ૭ નવિન બસ સ્ટેશનો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે લીમખેડા, સંતરામપુર, શહેરા, વેજલપુરના કામો પ્રગતિમાં છે. જયારે ગરબાડા, કડાણાના નવિન એસ.ટી. બસ સ્ટેશનો બનાવવા માટે જમીન મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે તે માટે વોલ્વો લકઝરી બસો શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજય સરકાર છેવાડાના વ્યક્તિઓના ઉત્કર્ષ સાથે તેઓની સવલતો વધારવા માટે કટિબધ્ધ છે. રાજય સરકારે એસ.ટી. નિગમ દ્વારા એસ.ટી. બસના મુસાફર સારી રીતે મુસાફરી કરી શકે તે માટે લકઝરી બસો સાથે ગ્રામિણ ક્ષેત્રોના મુસાફરોને શહેરો તરફ વેપાર, રોજગાર – ધંધા, વિધાર્થીઓને અભ્યાસ અર્થે અવરજવર માટે મિની બસ શરૂ કરવા સાથે બસો અને તેના રૂટોની સુવિધાઓ વધારી છે. શ્રવણતીર્થ યોજના હેઠળ સિનીયર સીટીઝનોને ધાર્મિક સ્થળો પર ફરવા લઇ જવામાં આવે છે. પત્રકારો માટે, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પત્નિને, દિવ્યાંગજનો માટે મફત બસ પાસ સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમ જણાવતાં શ્રી ભાભોરે કેન્દ્ર સરકાર દ્રારા ખેડૂતો, ગરીબો માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
આ પ્રસંગે પૂર્વ ધારા સભ્ય મહેશ ભુરીયાએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં કેન્દ્ર અને રાજય સરકાર જિલ્લાના વિકાસ માટે કટિબધ્ધ છે તેમ જણાવ્યુ હતુ. આ પ્રસંગે ગોધરા, એસ.ટી વિભાગીય નિયામક બી.આર.ડિંડોડે એસ.ટી બસ નિગમની વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી. જયારે આભાર વિધિ લેબર ઓફિસર એમ.એન.પાંડોરે કરી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી ચૈાધરી, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, અગ્રણી નરેન્દ્રભાઇ સોની, પ્રફુલ્લભાઇ ડામોર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન કિષ્ણરાજ ભુરીયા, જિલ્લા પંચાયત સદસ્ય બી.ડી. વાધેલા, અગ્રણી દિપેશ લાલપુરવાલા, સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ/ પદાધિકારીઓ, સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અ પ્રસંગે મંત્રીશ્રીઓનું આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઢોલ, નગારા, શરણાઇ, સાથે સાફો બંડી શાલ ઓઢાડી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments