આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઇ કઇ બાબતોનું પાલન કરવું તે અંગે જાણકારી અપાઈ.
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ ૭ મી મે-૨૦૨૪ ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે. જેના માટે આગામી તારીખ ૧૨ એપ્રિલ-૨૦૨૪ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.
લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવા માટે દાહોદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઇ કઇ બાબતોનું પાલન કરવું તથા કઇ લોકસભા બેઠકમાં કઇ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે તે અંગેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં દાહોદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલબેન એ માહિતી આપતાં જણાવ્યું કે ચૂંટણીલક્ષી ફરિયાદો માટે ૨૪ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરીને હેલ્પલાઇન નંબર ૧૯૫૦ જાહેર કરવામાં આવ્યો છે અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૦૫૩ છે. ખર્ચ નિયત્રંણ માટે પણ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી આવી છે. રાજકીય પક્ષોને વિવિધ મંજૂરી લેવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, ASP બીશાખા જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ સહિત સબંધિત અધિકારીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.