- વિધાનસભા દંડક શ્રી રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં લીમડીયા ગામે કાર્યક્રમ યોજાયો.
- લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયુ.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજે ફતેપુરાના લીમડીયા ગામ ખાતે વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને મહાનુભાવોએ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.
દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યે છેલ્લા બે દાયકામાં વિકાસની હરણફાળ ભરી છે. રાજ્યે તમામ દિશાઓમાં વિકાસના નવા સીમાચિહ્નો સર કર્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ વિકાસના ફળ સામાન્ય લોકો સુધી પહોંચ્યા છે. જનકલ્યાણની વિવિધ યોજનાઓ સરકાર દ્વારા લાગુ કરાઇ છે ત્યારે નાગરિકો પણ મોટા પ્રમાણમાં આ યોજનાઓનો લાભ લે.
તેમણે જણાવ્યું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ તમારે ગામ પહોંચે ત્યારે તમારા ગામમાં જ તમને વિવિધ યોજનાઓ નો લાભ અપાઇ રહ્યો હોય ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવું જોઇએ અને ગુજરાતે છેલ્લા બે દાયકામાં કરેલા વિકાસને ફિલ્મના માધ્યમથી દર્શાવાઇ રહી છે ત્યારે તેનો પણ લાભ લેવો જોઇએ. લીમડીયા ગામમાં આજે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનોએ રથનું સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગામમાં ભવાઇના કાર્યક્રમ થકી રસપ્રદ શૈલીમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઇ હતી. ગ્રામજનોએ રથ સાથે દર્શાવાયલી ફિલ્મને પણ રસપૂર્વક નિહાળી હતી.
કાર્યક્રમ સ્થળે ગ્રામજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત મા યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભ મહાનુભાવોએ વિતરિત કર્યા હતા. તેમજ આંગણવાડી કાર્યકતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં ગામના સરપંચ, અગ્રણીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.