લાભાર્થી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ અપાયા.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દાહોદ તાલુકાના ભિટોડી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઝીથરાભાઇ ડામોર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા હતા. તેમજ લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાઓના લાભ મહાનુભાવોએ વિતરિત કર્યા હતા.
ઝીથરાભાઇ ડામોરે ગ્રામજનોને રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા વિકાસનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્યે છેલ્લા બે દાયકામાં વિકાસના નવાં સીમાચિહ્નો સર કર્યા છે. દેશમાં રાજ્ય વિકાસના એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે જે સરકારની મોટી સિદ્ધિ છે એમ જણાવી તેમણે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અવશ્ય લેવા જણાવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રાના આજે અંતિમ દિવસે ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓના લાભનું મહાનુભાવો એ વિતરણ કર્યું હતું. તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. સાથે જેમણે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ ન લીધો હોય તેમને સત્વરે વેક્સિન લઇ લેવા અપીલ કરાઇ હતી.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજે સવારે ભીટોડી મુખ્ય પ્રાથમિક શાળા તેમજ સાંજે આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગ્રામજનોએ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું પોતાના ગામમાં સ્વાગત કર્યું હતું અને આ રથ સાથે દર્શાવાતી રાજ્યના બે દાયકાના વિકાસની વાત કરતી ફિલ્મને રસપૂર્વક નિહાળી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચો, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.