કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી પડવી જોઈએ નહીં. – પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલ
દાહોદ ખાતે આ મહિનાના અંતે ૨૬ તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારનાર છે. તેમના કાર્યક્રમને અનુલક્ષીને દાહોદ વહીવટી તંત્ર દ્વારા સ્પેશ્યલ કમિટી બનાવીને કોઈપણ પ્રકારની ચૂક રહી ન જાય તે માટે સતત મોનીટરીંગ સાથે તૈયારી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી હતી.
આ દરમ્યાન કાર્યક્રમની તૈયારી માટે બનાવેલ કમિટી ટીમ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્ટેજ વ્યવસ્થા, સ્ટેજ સુશોભન, ડોમ, સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમ, બેરીકેટ, પીવાના પાણી, શૌચાલય, પાર્કિંગ, ઇલેક્ટ્રિક વ્યવસ્થા, ઇમરજન્સી માટે સ્ટ્રેચર અને એમ્બયુલન્સ સાથે આરોગ્ય ટીમની વ્યવસ્થા, ફાયર સેફટી ટીમ, હોર્ડિંગ્સ, V.I.P., V.V.I.P., પત્રકારો, તેમજ જાહેર જનતા માટેની બેઠક વ્યવસ્થા, એન્ટ્રી તેમજ એક્સીટ ગેટ, પાસ વ્યવસ્થા, ટ્રાફિક જાળવણી સહિત તમામ વ્યવસ્થા માટેની સમીક્ષા કરીને માઈક્રો પ્લાનિંગ થકી સમયસર તમામ કામગીરી પૂર્ણ થઇ જાય તેવી તકેદારી રાખવા અને કાર્યક્રમની ગંભીરતા સમજીને કામ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠક નિમિતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મિણા, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, પ્રાંત અધિકારીઓ સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.