THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
માથોડા ઊંચી મકાઇને બાઝેલા ડોડા આમળી રહ્યાં છે સોનેરી મૂછો…. કદાચ આ મોસમ છે સાગના, તલના, કપાસના, કારેલાના, દૂધીના, કોળાના ફૂલોનું સૌન્દર્ય માણવાની વર્ષા ઋતુ એ કુદરતના રહસ્યો જાણવા અને માણવાની ઉત્તમ ઋતુ છે…
તમે ક્યારેય સાગના અને તલના ફૂલો જોયાં છે ? લગભગ તો નહિ જ જોયા હોય. સહુ સાગને ઇમારતી લાકડાં તરીકે ઓળખે છે પણ એના બી, છાલનું ચૂર્ણ ઔષધીય ઉપયોગમાં પણ આવે છે. બે ભેગી કરેલી હથેળીઓ નાની લાગે એવા વિશાળ પાંદડા ધરાવતા સાગના વૃક્ષો પર હાલમાં ઝૂમખામાં ઝીણા ઝીણા ફૂલો લહેરાઈ રહ્યા છે. જૂન થી સપ્ટેમ્બર એ સાગના ફૂલોની (ફ્લાવરિંગ સીઝન) છે એવી જાણકારી આપતાં કાર્યકારી નાયબ વન સંરક્ષક વિનોદ ડામોરે જણાવ્યું કે, તે પછી એના ફળ લાગે છે અને સામાન્ય વનીકરણ એટલે કે નોર્મલ ફોરેસ્ટ માટે એના બીજ એકત્ર કરવામાં આવે છે. આ બીજને ગાયના છાણમાં કે રસાયણનો પટ આપી, પરિપકવ કરી સાગના રોપના ઉછેર માટે ઉપયોગમાં લઇ શકાય છે. જો કે બહુધા સાગના રોપા સ્ટમ્પ વાવીને એટલે કે એક ફૂટપટ્ટી જેટલી લંબાઈની ડાળીઓ કાપી એને વાવીને રોપા ઉછેરવામાં આવે છે.
સાગ અને ચંદન સહિત ૫ પ્રકારના વૃક્ષો એ વન વિભાગની ભાષામાં મહેસુલી વૃક્ષ છે એટલે ખેડૂતોમાં એની વૃક્ષ ખેતી પ્રચલિત થઈ છે. ખેતરના શેઢા પાળા કે ઘરના વાડામાં પણ તેનો ઉછેર કરી શકાય છે અને યોગ્ય ઊંચાઈ જાડાઈ વાળા વૃક્ષની વન વિભાગની પરવાનગીથી કટાઇ કરી પૂરક આવક ખેડૂતો મેળવી શકે છે. સાગના વૃક્ષો માટે અત્યારે વસંત છે એમ કહી શકાય કારણ કે સાગના ઝાડની ઊંચાઈ, ઉંમર જેવી બાબતોને આધીન જૂન થી સપ્ટેમ્બર સુધી ઝૂમખે ઝૂમખાં ફૂલ બેસે છે.
મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી કહે છે, નોર્મલ ફોરેસ્ટ એરિયામાં તેના બીજોનું એકત્રીકરણ કરાવવામાં આવે છે. જો કે અભયારણ્ય વિસ્તારોમાં બીજ એકત્ર નથી કરવામાં આવતા. એ જમીન પર પડે અને આપોઆપ ઉગી નીકળે એવું બને છે. અત્યારે ખેતરોમાં તલ, કપાસ, દૂધી, કારેલા, કોળાના રોપા અને વેલાઓ તેમજ ઘાસ અને સાવ અજાણી વનસ્પતિઓ પર ભાત ભાતના ફૂલોનો વૈભવ લહેરાઈ રહ્યો છે. આ એવા ફૂલો છે જેની કદાચ તમે ક્યારેય નોંધ લીધી જ નથી. મકાઈ માથોડા ઊંચી વધી છે અને મા ને વળગેલા બાળકની જેમ મકાઇને બાઝેલા ડોડા જાણે કે સોનેરી મૂંછો આમળી રહ્યાં છે. કોરોનાને લીધે નિશાળો બંધ છે પણ પ્રકૃતિ શિક્ષણની પાઠશાળાઓ ખેતરો અને જંગલો વચ્ચેથી પસાર થતાં રસ્તાઓની બંને તરફ ખુલી ગઈ છે.આદિવાસી ગામડાની કાચી કેડીઓ પર પોતાના પશુધન માટે ઘાસ અને ભાજી પાલાના ભારા બાંધી ને લઈ જતી મહેનતકશ બહેનો પરિશ્રમ નું જાણે કે મહત્વ સમજાવે છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આ ઋતુ કુદરતના રહસ્યો ઉકેલવાની, જાણવા, માણવા અને જણાવવાની છે. જે કુદરતનું રહસ્ય જાણી લે એ ક્યારેય એને નુકશાન ના પહોંચાડે. જરૂરી સાવચેતી અને સાવધાની દાખવી આ કામ કરવા જેવું છે. અત્યારે જંગલોમાં, અભયારણ્યોમાં પ્રવેશની મનાઈ છે કારણ કે વન્ય જીવો માટે આ સંવનન કાળ છે. પરંતુ ડુંગરો પર વરસેલા વરસાદના પાણીને કોઈ સીમા બાંધી શકતી નથી. એ તો આ સંરક્ષિત વિસ્તારો વીંધી રસ્તે આવતા નાળા, પુલો નીચે ખળ ખળ વહી નીકળે છે અને વચ્ચે આવતી શિલાઓને ઓળંગવાનો આ જળ પ્રયાસ, નાનકડાં પણ મનોહર ધોધની જાણે કે હારમાળા સર્જે છે. રસ્તે પસાર થતાં સહેજ થોભી, પૂરતી સાવચેતી સાથે એ ઠંડા જળમાં પગ બોળી એની છાલકો ચહેરા પર છાંટી થાક ઉતારી શકાય છે. જો કે બિનજરૂરી સાહસ કરી જોખમ વહોરવા થી દૂર રહેવું જરૂરી છે. અને આવા હરિયાળા રસ્તાઓને, રસ્તાની કોરે ઉગેલી વનરાજીને ગુટકાના પાઉચ, પ્લાસ્ટિકની બોટલો કે થેલીઓની વરવી ભેટ આપવા થી દૂર રહેવાનો સ્વયમ્ નિષેધ પાળવા જેવો છે.
અત્યારે ઘણી જગ્યાએ વન ભોજન ધાબાઓ જોવા મળે છે જ્યાં અડદના ઢેબરાં, મકાઈના રોટલા, દાલ પાનીયા જેવી આદિજાતિ ઘરોમાં પ્રચલિત વાનગીઓની મોજ માણી શકાય છે.
પ્રકૃતિ એ માતા છે. માતા કોઈ શણગાર ના સજે તો પણ બાળકને તો તે સુંદર જ લાગે. અત્યારે તો આ માતાએ હરિયાળીના સોળે શણગાર સજ્યા છે. બાળક બનીને એને અહોભાવ સાથે માણો એ જ એ માતાની અપેક્ષા છે.