વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે.
જે અંતર્ગત ઐતિહાસિક શિવ મંદિર બાવકા ખાતે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા મનમોહક સુશોભન તથા લાઈટીંગ કરી અનેરો શણગાર કરવામાં આવ્યો છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર પરિસરને લાઈટિંગ થી શણગારવામાં આવ્યું છે. બાવકા શિવ મંદિરની દાહોદ તથા આજુબાજુ ના ગ્રામજનો મુલાકાત લઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
દાહોદ થી ૧૧ કિ.મી દૂર બાવકા ગામમાં આવેલું પ્રાચીન શિવ પંચાયતન મદિર ભગ્ન અવસ્થામાં સોલંકી કાલીન સુવર્ણયુગની ઝાંખી અપાવે છે. આ દેવાલયની બાહ્ય દિવાલો ઉપરની શિલ્પસમૃદ્ધિ આકર્ષક છે. મૈથુન શિલ્પોની પ્રચૂરતાને કારણે આ પ્રાચીન શિવાલય ગુજરાતના ખજુરાહો તરીકે પણ જાણીતું છે.