VANDANA VASUKIYA – VIRAMGAM
– રામજી મંદિરના સત્સંગી બહેનો દ્વારા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ની ધૂન બોલાવવામાં આવી
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના દલવાડી ફળીમાં આવેલા શ્રી રામજી મંદિરના પાટોત્સવની વૈશાખ સુદ ત્રીજને બુધવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામચન્દ્રજી, લક્ષ્મણજી તથા સીતાજીને નવા વસ્ત્રો પહેરાવીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે રામજી મંદિરના પ્રાંગણમાં નવચંડી હવન કરવામાં આવ્યો હતો અને નવચંડી હવનના યજમાન તરીકેનો લાભ સોલંકી ભરતભાઇ કાન્તીભાઈ પરિવારે લીધો હતો. રામજી મંદિરના સત્સંગી બહેનો દ્વારા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ની ધૂન બોલાવવામાં આવી હતી. ભગવાનને મહા પ્રસાદનો થાળ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ રામજી મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ૧ હજારથી વધુ ભક્તોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો.
વિરમગામ શહેરના દલવાડીફળી માં આવેલા શ્રી રામજી મંદિરના મહંત કપીલ મહારાજે જણાવ્યુ હતુ કે, સંવત ૨૦૭૦ના વૈશાખ સુદ ૩ (અખાત્રીજ) ના રોજ રામજી મંદિર નું નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને શ્રી લાલજી મહારાજ, રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી અને ગણપતી મહારાજ ની મુર્તિ ની પધરામણી કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી રામજી મંદિરના પ્રમુખ, ટ્રસ્ટી તથા ભક્તો દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભક્તોએ સાથે મળીને ભગવાનને પ્રસાદમા શુદ્ધ ઘી ના લાડુ ધરાવ્યા હતા. સત્સંગી બહેનોએ પોતાના હાથે ભગવાન ને નવા વસ્ત્રો પહેરાવી અને ભગવાનને પ્રેમ ભર્યા થાળ જમાડ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો એ હવન ના દર્શન નો લાભ લઈ પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે ભક્તિ સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.