ઉનાળાની શરૂઆત થતાં જ જ્યાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ ગરમીનો પારો ઊંચકાતા માણસો,પશુ પંખીઓ સહિત સમગ્ર સૃષ્ટિ તોબાતોબા પોકારી રહી છે, ત્યાં ઉનાળા ની શરૂઆતથી જ રાજ્યભરમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે, કેનાલોમાં પાણી બંધ થતાં એકબાજુ ખેતરોમાં વાવેતર કરેલ ઘાસચારો સુકાઈ રહ્યો છે, તો બીજી બાજુ ખેતરોમાં ઘર બનાવી સ્થાયી વસવાટ કરતા ખેડૂતોની હાલત દયનિય બની ગઈ છે.
ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. પાણીનો પોકાર – વિરમગામ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ના લીધે લોકોને 2 કિ.મી દૂર ભરવા જવું પડે છે પાણી…
ઉનાળાની શરૂઆત સાથે ગરમીના પારાની સાથે લોકોની સમસ્યાઓનો પારો ઉંચકાયો છે. કાળઝાળ ગરમીની સાથે સમગ્ર ગુજરાતમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. ત્યારે વિરમગામ નળકાંઠાના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. વિરમગામ તાલુકાના નળકાંઠાના 5 હજારની વસ્તી ઘરાવતા થુલેટા ગામમાં છેલ્લા 10 વર્ષોથી પાણીની સમસ્યાઓ છે. ગામમા પાણીની ટાંકી છે જે જર્જરિત છે. ગામનો બોર બંઘ હાલતમાં છે જેને લઇને ઉનાળામાં ગામના છેવાડે 2 કિ.મી દૂર કુવામાંથી પાણી ભરવા જવું પડે છે બીજી બાજુ મોટા ભાગના લોકોને પીવાના પાણી માટે વલખાં મારતા મારતા બાજુના ઘોડા સહિત અન્ય ગામોમાં વાહન લઇ પાણી ભરવા જવું પડે છે.