PIYUSH GAJJAR – VIRAMGAM
● લગભગ 35 વર્ષ પહેલા બનેલ ઉદ્દઘાટન થયા વગરનાં સ્વિમિંગ પુલમાં ગંદકી અને કચરાના ઢગ થયા, ઠેરઠેર ગાંડા બાવળોના ઝૂંડ, અસામાજિક તત્ત્વોના અડ્ડા સમાન ‘સ્નાનાગાર’ રિપેરિંગ કરી ચાલુ કરવા લોકમાંગ.
વિરમગામ શહેરમાં મુનસર રોડ, ખોડિયાર મંદિર પાસે આવેલું દશકાઓ પહેલાં બનાવેલું ઉદ્દઘાટન વગરનું બિસ્માર સ્નાનાગારમાં ઠેર ઠેર ગંદકી અને બાવળોના ઝૂંડ સાથે અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની જવા પામ્યું છે.
વિરમગામ શહેરમાં દશકાઓ પહેલાં એક સામાજિક સંસ્થા દ્વારા રૂ. 5 લાખ દાન ભેટથી અને નગરપાલિકાની જમીનમાં ગાયત્રી મંદિરની બાજુમાં વિશાળ સ્નાનાગાર (સ્વિમિંગ પુલ) બનાવવામાં આવ્યો હતો અને સ્નાનાગાર નગરપાલિકા હસ્તક ચલાવવાની અને સારસંભાળની જવાબદારી હતી, પરંતુ સ્વિમિંગ પુલ બનાવ્યા પછી અગમ્ય કારણોસર ચાલુ કરીને આજદિન સુધી વર્ષો વીતવા છતાં અને નગર પાલિકામાં ઘણા અધિકારી, પદાધિકારી, કાઉન્સિલરોનું સત્તામાં આવાગમન થયું છતાં સ્નાનાગાર તરફ નજર સુદ્ધાં નથી કરી. સ્નાનાગારની કમ્પાઉન્ડ વોલ તૂટી ગયેલ છે. સ્નાનાગારના બારણા સુદ્ધાં અસામાજિક તત્ત્વો લઈ ગયા. સ્વિમિંગ પુલની અંદર ગંદુ પાણી, કચરો ખદબદે છે, ઠેર ઠેર ગંદકી, ગાંડા બાવળના ઝૂંડ છે. અસામાજિક તત્ત્વોની અવરજવર હોય છે.
વર્ષો પહેલાં લાખો રૂપિયાના ખર્ચે સ્નાનાગાર નાના-બાળકોથી લઈને મોટેરાઓ માટે સ્નાનાગારમાં સ્વિમિંગ શીખવાડીને ટ્રેનિંગ આપી હોત તો ગામમાં સ્વિમિંગ ચેમ્પિયન પણ હોત. નગરમાં પાલિકા દ્વારા ખંડેર ભાસતા સ્નાનાગારનું રિપેરિંગ કરી ચાલુ કરવામાં આવે તો શહેરમાંથી ઘણા તરવૈયા તૈયાર થાય તેમ છે, માટે ધારાસભ્ય, સંસદસભ્ય, રાજકીય હોદ્દેદારો, નગર પાલિકાના હોદ્દેદારો, સામાજિક સંસ્થાઓ વિરમગામના વિકાસની વાતોમાં રસ લઈ નક્કર કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે.
વિરમગામમાં દશકાઓ પહેલા એક સામાજીક સંસ્થાના 5 લાખના દાનથી બનેલા સ્નાનાગારને બનાવ્યા બાદ તંત્રએ અણઘડ વહીવટનો નમૂનો પૂરો પાડીને વર્ષો સુધી સ્વીમીંગ પુલ ચાલુના કર્યો.