ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી : “હા …! આપણે ટીબીનો અંત લાવી શકીશુ” થીમ પર ટીબીના રોગ અંગે જનજાગૃતી કરવામાં આવી.
૨૪મી માર્ચે વિશ્વભરમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામમાં તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેશ પરમાર, જીલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીઓને ટીબીના રોગમાં રાખવી પડતી સાવચેતીઓ, સારવાર અને પોષણયુક્ત આહાર અંગે અર્બન હેલ્થ ઓફિસર ડો.અદિતી રાઠોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. બાવળા ખાતે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્ય સાથે ટીબી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરેલ છે. વિરમગામ ખાતે “વિશ્વ ટીબી દિવસ – ૨૪ માર્ચ ૨૦૨૩” ની ઉજવણીના ભાગરૂપે “હા …! આપણે ટીબીનો અંત લાવી શકીશુ” થીમ પર ટીબીના રોગ અંગે જનજાગૃતી કરવામાં આવી હતી. બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી હોય તો ટીબી હોય શકે છે. આ ઉપરાંત છાતીમાં દુ:ખાવો, ગળફામાં લોહી આવવું, સાંજના સમયે તાવ આવવો, વજન ધટવું, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો હોય તો ટીબી હોઇ શકે છે. ટીબીનો રોગ વાળ અને નખ સિવાય શરીરનાં તમામ ભાગમાં થઇ શકે છે. ટીબીના નિદાન માટે નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ.