જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા આંબલી અને પોલીસ અધિક્ષક હિતેશ જોયસરએ સીસમનો રોપો વાવ્યો.
દાહોદ નજીક રાબડાલ ખાતે વન વિભાગના સહયોગથી જિલ્લામાં વિકસાવવામાં આવેલા અવિરમણીય આરોગ્ય વનમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા અને રોપ વાવ્યા હતા. જીવસૃષ્ટિના અભિન્ન અંગ સમાન પર્યાવરણ ના સરક્ષણ અને સંવર્ધનના હેતું સમગ્ર વિશ્વમાં પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિન મનાવવામાં આવે છે. પ્રાકૃતિક સંપદાની અણમોલ દેણ ધરાવતા દાહોદ જિલ્લામાં પણ લોકો આ બાબત પરત્વે વધુ જાગૃત થાય એ માટે વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વખતે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાને લઇ ઔપચારિક કાર્યક્રમ રાબડાલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.
આરોગ્ય વનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આંબલીનો તથા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે સીસમનો રોપો વાવ્યો હતો. નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમારે પણ રોપો વાવ્યો હતો.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે, નાયબ કલેક્ટર શ્રી ગણાસવા તથા શ્રી ગામેતી, એસીએફ શ્રી ઋષિરાજ પુવાર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી. બી. પટેલ સહિતના અધિકારીઓ સહભાગી બન્યા હતા.