વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલનુ 89 વર્ષની વયે નિધન થયુ છે. તેમને રવિવારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જ્યારબાદ તેમને ગુડગાંવનીએ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમા થોડો સુધાર આવ્યો હતો પરંતુ પછી તેમની તબિયત વધુ બગડી ગઈ. ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતા તેમને બચાવી ન શકાયા.

89 વર્ષના અશોક સિંઘલને શ્વાસની તકલીફ થઈ અને 20 ઓક્ટોબરને રોજ ઈલાહાબાદમાં તબિયત ખરાબ થયા પછી મેદાંતા લઈ જવામાં આવ્યા હતા. તેમને મળવા માટે બીજેપીના તમામ નેતા હોસ્પિટલ પહોંચ્યા. આજે સવારે જ તેમના હાલચાલ જાણવા બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ પહોંચ્યા હતા.

ગયા ગુરૂવારે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી પણ અચાનક તબિયત બગડ્યા પછી તેમણે ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંઘલના મોતથી સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદમાં શોકનુ વાતાવરણ છે.
સિંઘલને જોવા માટે નેતાઓની ભીડ લાગી છે. જેને કારણે હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય જળ સંશાધન મંત્રી ઉમા ભારતી, હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી, શ્રીરામ જન્મભૂમિ ન્યાસ બોર્ડના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા, સંગઠન મહામંત્રી દિનેશ ચંદ્ર, સંયુક્ત મહામંત્રી વિનાયક રાવ દેશપાંડેય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હરિયાણાના સહ પ્રાંત સંચાલક પવન જિંદલ અને કથાવાચક સાઘ્વી ઋતુભંરા મેદાંતા પહોંચ્યા.

અશોક સિંઘલનો જન્મ યૂપીના આગરામાં 1926માં થયો હતો. તેમના પિતા સરકારી નોકરીમાં હતા. 1942માં તેઓ આરએસએસ સાથે જોડાયા. સિંઘલે લગ્ન નહોતા કર્યા. 20 વર્ષો સુધી તેઓ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.