પરીક્ષાર્થીઓને પરીક્ષા સમયે કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ મુખ્ય હેતુ – શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ – ૨૦૨૪ માં લેવાનાર એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી.બોર્ડ પરીક્ષાના આગોતરા આયોજન અંગે સેવા સદન દાહોદ ખાતે કોન્ફરન્સ હોલમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને આવનાર બોર્ડ પરીક્ષા અન્વયે સેવા સદન ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક અન્વયે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, રિપીટર તેમજ ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૧૧ થી ૨૬ માર્ચ દરમ્યાન યોજાવાની હોઈ તે અંગે દાહોદ જિલ્લાના એસ.એસ.સી. ના કુલ ૩૫ તેમજ એચ.એસ.સી. ના કુલ ૨૨ પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા ઓપરેટ કરવા, કેન્દ્રની આજુબાજુ નજીકના વિસ્તારો પરના પ્રતિબંધ માટેના જાહેરનામા, પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા, બિલ્ડીંગ તેમજ બ્લોક વ્યવસ્થા, ગ્રામીણ વિસ્તારોમાંથી આવનાર વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા, ટોળાં એકઠાં ન થાય, પોલીસ બન્દોબસ્ત, પરીક્ષા સ્થળે ઇમરજન્સી આરોગ્યસેવાની સુવિધા, પ્રશ્નપત્રની સેફટીને ધ્યાને રાખી પરીક્ષાની સમગ્રરૂપી તૈયારીની રૂપરેખા જેવા મહત્વના મુદ્દાઓ ધ્યાને રાખી પરીક્ષાના આગોતરા આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી.
શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે પરીક્ષાર્થીઓને પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પરીક્ષા શરૂ થાય ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ જરૂરી છે. પરીક્ષાર્થી કોઈપણ તણાવ વગર નિર્ભયતા અને નૈતિકતા વડે પરીક્ષા આપે એવું વાતાવરણ જરૂરી છે. આ બેઠક દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટર નિરગુડેએ આવનાર દરેક અધિકારીગણ તેમજ જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોને પરીક્ષામાં ગેરરીતિ ના થાય તેમજ પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર પરીક્ષા આપી શકે તેવી શુભકામના સહિત આવનાર પરીક્ષા સંબંધિત જરૂરી સૂચનો કર્યા હતા.