વીજળી, પાણી, સિંચાઈ, રસ્તા અને ટ્રાફિકની સમસ્યા તેમજ વરસાદી પાણીના નિકાલ વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરાઈ.
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સહિતના પદાધિકારીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, નેશનલ હાઇવે પરના ખાડા સહિત વરસાદી પાણીના નિકાલ, બાબતે અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી.વધુમાં કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ ચાંદીપૂરા વાઇરસ અંગે જણાવ્યું હતું કે, આ રોગ અટકાયત ઝુંબેશના ભાગરૂપે આરોગ્ય કાર્યકરો દ્વારા જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આવા કોઈ પણ ચિન્હો ધરાવતા દર્દીઓ જોવા મળે તો તેમને તાત્કાલિક જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવા ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓને જણાવવામાં આવેલ છે. સેન્ડ ફ્લાય વેક્ટરથી થતો આ રોગ સામાન્ય રીતે ૦ થી ૧૪ વર્ષના બાળકોને વધુ અસર કરે છે, તો બાળકોમાં કોઈપણ પ્રકારના તાવ, ઉબકા- ઉલટી, ખેંચ આવવી, નબળાઈ આવવી કે અર્ધભાન કે બેભાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલે પહોંચવા કલેકટર શ્રી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ. રાવલ,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મીતેશ વસાવા, નાયબ વન સરંક્ષક શ્રી અમિત નાયક, તમામ પ્રાંત અધિકારી શ્રીઓ ,સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦