દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલા મુકામે જળ સ્ત્રાવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામ જળસ્ત્રાવ વિકાસ સમિતિના પ્રમુખ રમેશભાઈ બારીયા, ઉપપ્રમુખ અલ્પેશભાઈ કટારા, સચિવ નરેન્દ્ર સંગાડા, સંજેલી તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ સંગાડા તથા ગામના આગેવાનો રમેશભાઈ, સમસુભાઈ બાબુભાઈએ ભાગ લીધો હતો. આ તાલીમમાં સદગુરુ સેવા ટ્રસ્ટ તરફથી વિજયભાઈ દ્વારા જળ સ્ત્રાવ કાર્યક્રમની વિગતવાર સમજણ આપવામા હતી. તેમજ જળસ્ત્રાવ કાર્યક્રમમાં કયા કયા કાર્યો કરવા અને થયેલા કામનું કેવી રીતે સંભાળ રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી. જળ સ્ત્રાવ કાર્યક્રમ અંતર્ગત ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાંએ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું સૂચન કરવામાં આવ્યું. ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત જળ, જમીન, જંગલ, જાનવર અને જનનો વિકાસને આવરી લેવામાં આવે છે તથા સામાજિક કાર્યક્રમો પણ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. તેની જાણકારી આપવામાં આવી.
હિરોલા ગામના તલાટી મનીષાબેન તરફથી પણ સામાજિક સ્કીમ વિશે જાણકારી આપવામાં આવી તથા હાલ સરકાર તરફથી વિમા ની જે યોજના ચાલે છે, જે માટે પોસ્ટ ઓફિસ નિયુક્ત કરેલ છે, તો દરેકને આ એકાઉન્ટ ખોલવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. જેથી અચાનક આવી પડેલા દુઃખથી ઘરને આર્થિક ટેકો મળી શકે તેમ જ લોકોને આયુષ્માન ભારત કાર્ડ દરેક કુટુંબના લોકોએ કઢાવી લેવું જોઈએ તેવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું. આ તાલીમ નાબાર્ડ ના આર્થિક સહયોગથી કરવામાં આવી. તાલીમમાં કુલ 60 લાભાર્થીઓએ લાભ લીધો હતો.