THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- દાહોદ જિલ્લા કલેક્ટર અને સંજેલી મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી.
- ૨૧મી ને બુધવાર વાર ના રોજ શ્રમિકો પાવડા તગારા સાથે તાલુકા પંચાયતનો ઘેરાવો કરશે.
સંજેલી તાલુકાના ઢેડીયા ખાતે તળાવ ચેકડેમ ઊંડા કરવા તેમજ કેટલશેડ આવાસની મંજુરીના ખર્ચ પેટેના મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારને પગલે વારંવાર લેખિત તેમજબમૌખિક રજૂઆત છતાં પણ યોગ્ય ન્યાય ન મળતા જિલ્લા કલેકટર અને સંજેલી મામલતદારને આવેદનપત્ર આપી તા. ૨૧મી ઓક્ટોબરને બુધવારના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેની જાણ થતાં જ આખા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે કૌભાંડીઓ સમગ્ર મામલા પર પડદો પાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
સંજેલી તાલુકાના ઢેડીયા પંચાયતમાં મનરેગા યોજનામાં તળાવ, ચેકડેમો ઉંડા કરવા તેમજ આવાસ કેટલ શેડની મંજૂરીના ખર્ચ પેટે થયેલા ભ્રષ્ટાચારને લઈને સાચા શ્રમિકોને અંધારામાં રાખી ભૂતિયા જોબ કાર્ડ બનાવી નાણાંની ઉચાપત થઇ હોવાની સ્થાનિક આગેવાન અને શ્રમિકો દ્વારા વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ન્યાય ન મળતા. દાહોદ જિલ્લા કલેક્ટર અને સંજેલી મામલતદારને આવેદનપત્ર આપી ૫૦૦ થી ૭૦૦ શ્રમિકો પાવડા તગારા સાથે તારીખ ૨૧મી ઓક્ટોબરને બુધવારના રોજ ૧૧.૩૦ કલાકે તાલુકા પંચાયતનાનો ઘેરાવ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વહીવટી તંત્રની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરી નાણાં હડપ કરવા માટે પેંતરો રચી ખોટા જોબ કાર્ડ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેમ કૌભાંડીઓને છાવરવામાં આવી રહ્યા છે. તપાસ કમિટી દ્વારા પોસ્ટ ઓફિસના તમામ ખાતાઓ બોગસ હોવાના રિપોર્ટ સોંપવામાં આવ્યો છતાં પણ સમગ્ર મામલો દબાવી દેવા કૌભાંડીઓએ એડીચોટીનું જોર લગાવી નાણાના જોરે સમગ્ર કૌભાંડ પર પડદો પાડવા દોડધામ કરી રહ્યા છે. આ મામલે કૌભાંડીઓને છાવરવાને બદલે યોગ્ય તપાસ કરી ફરિયાદ નોંધવવામાં આવે તો સમગ્ર કૌભાંડ બહાર આવે તેમ છે. ખોટા ખાતામાં પગાર જમા થતાં અરજદારોએ તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માંગવામાં આવવા છતાં પણ જાણે વહીવટી તંત્રની મિલીભગતથી આ રમત રમી રહ્યા હોય તેમ માહિતી પણ આપવામાં આવતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા ભરમાં આ પ્રકારનું કૌભાંડ આચરી મનરેગામાં શ્રમિકોના નામે ભુતિયા જોબકાડ બનાવી કૌભાંડ આચરી સરકારી નાણાં હડપ કરવાની વૃત્તિ સામે તપાસ થાય તો અનેક ગામમાં આવા કૌભાંડો બહાર આવે તેમ છે ત્યારે આ બાબતે ઢેડીયા સહિત તાલુકામાં જિલ્લાના અધિકારીઓની ટિમ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
૧) ભુતિયા જોબ કાર્ડ બનાવ્યા –> સરકારી નાણાંની ઉચાપત કરવા માટે કૌભાંડીઓ ભુતિયા જોબકાર્ડ બનાવી બેન્ક અથવા પોસ્ટમાં ખાતા ખોલાવી ATM ની મદદથી નાણાં ઉપાડ્યા હોવાની ચર્ચા લોકોમાં જોવા મળી રહી
૨) તપાસ કમિટીના રિપોર્ટ મુજબ પોસ્ટ ઓફિસના તમામ ખાતાં બોગસ –> પોસ્ટ ઓફિસના ખાતા ખોલનાર કોણ? અને ખાતા ખોલાવનાર કોણ? તે પણ એક તપાસનો વિષય છે. જો બોગસ ખાતા ખુલ્યા ન હોત તો શ્રમિકોને પોતાના હકના નાણાં મળ્યા હોત અને આટલું મોટું કૌભાંડ પણ ના થયુ હોત વહીવટી તંત્રએ આ દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે.
૩) નરેગા શાખાની બેદરકારી –> વેરિફિકેશનમાં બેદરકારી દાખવી. મનરેગા નાણાંની ચૂકવણી પૂર્વે કામોની તેમજ જોબ કાર્ડની વિગતોની ચકાસણી કરી વેરિફિકેશન કરવું જોઈએ. જેથી વાસ્તવિક કામગીરી થઇ છે કે કેમ તેમજ લાભાર્થીનું નામ અને વ્યક્તિ સાચા છે કે નહીં તેની તપાસ બાદ જ નાણાં ચૂકવવા જોઈએ. જેથી કહી શકાય કે GRS એન્જિનિયર. આસિસ્ટન્ટ વર્ક મેનેજર, એપીઓ દ્વારા વેરિફિકેશનમાં બેદરકારી દાખવી હોવાનું કહેવાય.
૪) મૃતકોના જોબકાર્ડ અને હયાત લાભાર્થીઓની વિગતોની તપાસ ક્યારે –> મૃતકોના નામે જોબકાડ બનાવવામાં આવ્યા તેમજ શ્રમિકોના નાણાં બારોબાર ઉપાડી કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની પણ તપાસની માંગ કરવામાં આવી છે. પરંતુ પરિણામ શુન્ય.
૫) ઢેડીયાનો ગામના શ્રમિકો જોડે વાતચીત થતા તેઓએ જણાવ્યું હતું કે. તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ તાલુકા પંચાયતમાં ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારતા P.I., P.S.I., મામલતદાર , A.T.D.O. સહિત ની ટીમ ઘટના સ્થળે પહોંચી શ્રમિકોને એકઠા કરી તમારી માંગણી મુજબનું તપાસ કરી તા. ૧૦ ઓક્ટોમ્બર સુધી માહિતી આપવાની મધ્યસ્થી બનતા શ્રમિકોએ આંદોલન મુલતવી રાખ્યું હતું. પરંતુ અંધેરી નગરીને ગંડુ રાજા જેવો હાલ સર્જાતા શ્રમિકોએ પોતાના હકના નાણાં મેળવવા અને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગને લઇને તા ૨૧મી ને બુધવારના રોજ તાલુકા પંચાયતનો ઘેરાવ કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા માટે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી.