EDITORIAL DESK – DAHOD
૨.૮૪ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કરાયુતાલુકાના તમામ બાળકો શિક્ષણ લે તે માટે સહિયારા પ્રયાસો કરીએ – મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમાર
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની ૪૯-વિકાસશીલ તાલુકાના આયોજન અંગેની બેઠક મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને સંજેલી, તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે સંજેલી તાલુકાનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે સંપૂર્ણ શિક્ષણ પૂર્ણ કરે તે માટે સહિયારા પ્રયાસો કરીએ. શિક્ષણ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. તેમને શિક્ષણ પરત્વે વધુ ઝોક આપ્યો હતો. વિધવા બહેનો અને વિકલાંગ વ્યક્તિઓ સ્વરોજગારી માટે પશુપાલન અંતર્ગત સહાયના ધોરણે ભેંસ ખરીદી માટે, ખેડૂતો અધતન ખેતી કરવા સાથે શાકભાજી, માંડવા પધ્ધત્તિ, ફળફળાદીની ખેતી અને પશુપાલન વ્યવસાય તરફ વળે તે માટે જાગૃતતા લાવીએ.
બેઠકમાં વિજ્ઞાન પરત્વે બાળકોમાં વધુને વધુ ઉત્સાહ જાગે તે માટે અધતન પ્રયોગશાળાઓ માટે રૂા. ૫ લાખ પ્રાથમિક શાળાના સ્માર્ટ કલાસ રૂમ બનાવવા માટે રૂા. ૧૦૦ લાખ, કમ્પાઉન્ડ વોલ માટે રૂા. ૨૦ લાખ, જર્જરીત આંગણવાડીના નવા મકાન માટે ૭૭ લાખ, આરોગ્ય લક્ષી સુવિધાઓ અંતર્ગત વાહન ખરીદી અને સફાઇ સુવિધાઓ માટે રૂા. ૧૦.૫૦ લાખ, પશુપાલનના વ્યવસાય થકી સ્વરોજગારી અંતર્ગત ભેંસ દરીદી તથા પશુશિક્ષણ શિબિરો માટે રૂા. ૪૬ લાખ, ખેતીવાડીમાં શાકભાજીમાં માંડવા પધ્ધતિ માટે ૨૫ લાખ એમ કુલ રૂા. ૨૮૩.૫૦ લાખનું આયોજન સને ૨૦૧૭-૧૮ના વર્ષનું કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથ કુમારે સ્વાગત પ્રવચન તથા આભારવિધિ જિલ્લા આયોજન અધિકારીશ્રી વી.સી ગામિતે કરી હતી.
બેઠકમાં ધારાસભ્યશ્રી રમેશભાઇ કટારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રા, ઇન્ચાર્જ મામલતદારશ્રી ડી.ડી.કટારા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.સી.ભુરા, જિલ્લા-તાલુકાના સદસ્યશ્રીઓ, અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.