- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : દાહોદ જિલ્લામાં ૩.૩૧ લાખથી વધુ લોકોએ કર્યા યોગ
- શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનશૈલીનો ભાગ બનાવી લેવો જોઇએ – દંડક શ્રી રમેશભાઇ કટારા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર દાહોદ જિલ્લો યોગમય બન્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળે યોજાયેલા જિલ્લા, તાલુકા કક્ષા તેમજ શાળાઓ, મહાવિદ્યાલયો ખાતેના યોગ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જિલ્લાના ૩,૩૧,૪૧૦ થી વધુ લોકો વિવિધ સ્થળે યોજાયેલા યોગ કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ફીટ ઇન્ડિયાની નેમ સાકાર કરવા કટિબદ્ધતા દાખવી હતી.
દાહોદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૩,૨૧૦ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, યોગ એ સ્વસ્થ અને નિરામય જીવન માટે અતિઆવશ્યક છે. યોગને આપણી જીવનશૈલીનો ભાગ બનાવી લેવો જોઇએ. ભારતના ઋષિમુનિઓ દ્વારા નિર્મિત યોગ વિદ્યા હવે સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંનિષ્ઠ પ્રયાસને કારણે સ્વીકૃત બની છે.
તેમણે જણાવ્યું કે, આધુનિક જીવનશૈલીને કારણે શારીરિક પરિશ્રમ ઘટયો છે અને માનસિક તનાવ વધ્યો છે ત્યારે યોગ થકી શારીરિક કષ્ટ દૂર થશે તેમજ માનસિક શાંતિ પણ મળશે. સ્વસ્થ તન અને સ્વસ્થ મન માટે આપણે યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવીને નિયમિત રીતે યોગ કરવા જોઇએ. કોરોનાના કપરા સમયમાં પણ નિયમિત યોગઅભ્યાસ કરનારા લોકોએ કોરોનાને સરળતાથી મ્હાત આપી હતી. કોરોના બાદ લોકોમાં સ્વાસ્થ પ્રત્યે જાગૃત્તિ વધી છે ત્યારે વધુમાં વધુ લોકોએ યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવી લેવો જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું કે, આ વર્ષે આપણે માનવતા માટે યોગની થીમ ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યાં છે ત્યારે માનવતાને વધુ ઉંચા મુકામ પર લઇ જવા માટે ઉચ્ચ જીવનમૂલ્યોને અપનાવવા જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકનાં મૈસુરથી દેશવાસી ઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સૌએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી નું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
જિલ્લામાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ પણ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થઇ હતી. વિદ્યાર્થીઓમાં પણ યોગ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાના પરિસરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓએ યોગ કર્યા હતા. વિશ્વ યોગ દિવસે જિલ્લા મથકે કુલ પાંચ સ્થળે, તાલુકા દીઠ બે સ્થળે તેમજ નગરપાલિકા દીઠ બે સ્થળે ઉજવણી કરાઇ હતી. તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, ASP જગદીશ બાંગરવા, એમ.ડી.એમ નાયબ કલેકટર ફાલ્ગુન પંચાલ, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી, Dy.SP પરેશ સોલંકી, Dy.SP બેન્કર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામા નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
વધુમાં બાવકાના પુરાતન શિવ મંદિર ખાતે પણ વિદ્યાર્થીઓ યોગમાં રમમાણ બન્યા હોય એવું જણાઇ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળે યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. તે પૈકી બાવકાના શિવ મંદિર ખાતે વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા. અહીં ૨૭૦ જેટલા વિદ્યાર્થીઓ યોગ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.