દાહોદના નાની લચેલી ગામના માવી દીવાનભાઈ કેગુભાઇને ગ્રામ વિકાસ વિભાગના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નો લાભ મળતા તેમણે શૌચાલય બનાવ્યુ છે. સરકાર દ્વારા આ યોજનાનો લાભ મળતા દીવાનભાઈ તેમજ તેમના પરીવારજનોને પડતી ઘણી આગવડોનો અંત આવ્યો છે. દીવાનભાઈ સરકારને ધન્યવાદ પાઠવતા જણાવે છે કે, પહેલા શૌચક્રીયા માટે બહાર જવુ પડતુ હતુ. તે કારણે મને અને મારા પરીવારજનોને પેટ સબંધી બીમારી થતી હતી અને ઘરની મહીલાઓને લાજ શરમનો અનુભવ થતો હતો. ત્યારબાદ મને સ્વચ્છ ભારત મિશન યોજના થકી શૌચાલય બનાવવા માટે રૂ. ૧૨૦૦૦ નો લાભ મળતા હું શૌચાલય બનાવી શકયો છું.
તેઓ જણાવે છે કે, પહેલા રાત્રીના સમયમાં ખુલ્લામાં જવામાં ઘણા જોખમનો સામનો કરવો પડતો હતો. જયારે દિવસે મહિલાઓને જવામાં ઘણી સમસ્યાઓ આવતી હતી. તેમને રાતનું અંધારૂં થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી. પરિણામે સ્વાસ્થ્ય સંબધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. નવું શૌચાલય બની જતા આ સમસ્યાઓથી છૂટકારો મળ્યો છે. અત્યારે તો અમારા ગામમાં પણ તમામ લોકોના ઘરે શૌચાલય બની ગયું છે. અને ગામના સૌ લોકો શૌચાલયનો ઉપયોગ કરતા થયા છે.