આજે તા.૦૮/૦૪/૨૦૨૫ ને મંગળવારના રોજ જીલ્લા પંચાયત સભાખંડ ખાતે માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને હીટવેવ લઈને વર્કશોપ યોજાયો હતો.
જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. અને આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેતમજૂરોને લૂ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બને છે. જે જીવલેણ પણ બની શકે છે. શરીર અને માથાનો દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ત્વચા ગરમ, લાલાશવાળી અને શુષ્ક થઈ જવી, ઉલટી કે ઉબકા થવા કે આવવા આંખે અંધારા કે ચક્કર આવવા, શ્ર્વાચ્છોશ્ર્વાસ અને હ્રદયના ધબકારા વધી જવા, અતિ ગંભીર હોય તેવા કિસ્સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું જેવા લક્ષણો લુ લાગવા સમયે થાય છે. તે દરેક નાગરીકે જાણવું જરૂરી છે.
લુ લાગવાથી બચવાના ઉપાયો કરવા આવશ્યક છે. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, માથા પર ટોપી પહેરવી, આંખો પર ચશ્મા પહેરવા, માથા પર તડકો ન પડે તે રીતે છત્રીનો ઉપયોગ કરવો. ભીના સુતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું, જરૂર જણાય તો ભીના કપડાથી શરીરને અવારનવાર લુછવાની આદત કેળવવી, સૂર્ય પ્રકાશ સીધો આવે તેવો હોય તેનાથી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયાવાળા સ્થળમાં રહેવું.
દિવસ દરમ્યાન વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારીયેળીના પાણી, ઓ.આર.એસનું દ્રાવણ પીવાની આદત કેળવવી. નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશક્ત બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ગરમીના દિવસોમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહીં, સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ માવામાંથી બનાવવામાં આવેલા ખાધપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો ખાવા નહી, ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
ચા-કોફી, તમાકુ-સિગારેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લુ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન ટાળવું. માથાનો દુખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદીર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત દાહોદનો અનુરોધ છે.
આ વર્કશોપમાં જીલ્લાના અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા.