- દાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથે જળની મહત્તાનો સંદેશ ભવાઇ સહિતના વિવિધ માધ્યમો થકી લોકો સુધી પહોંચાડ્યો.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, દાહોદ દ્વારા અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, દાહોદ દ્વારા ૨૨ મી માર્ચે “વિશ્વ જળ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન આજે તા.૧૯/૦૩/૨૦૧૯ મંગળવારના રોજ કાર્યપાલક ઇજનેર રશ્મીકાંત પટેલના અધ્યક્ષ સ્થાને કચેરીના સંકુલ ખાતેથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર, દાહોદના કાર્યપાલક ઇજનેર રશ્મીકાંત પટેલે રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં જણાવ્યું હતું કે આજે “વિશ્વ” ગ્લોબલ વોર્મિંગની ઝપેટમાંથી પસાર થઇ રહ્યું છે. જેનું કારણ માનવી દ્વારા પાણીનો દુરૂપયોગ અને આડેધડ કપાતા જંગલો – વૃક્ષોનું પરિણામ છે.
જળાશયોમાંથી આડેધડ વપરાતા જળના કારણે જમીનમાં ભેજ સંગ્રહશક્તિ ઘટતી જઇ રહી છે. પાણીના સ્તર નીચા જઇ રહ્યા છે. જમીનની ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનો ભોગ તમામ જીવ જંતુઓ બની રહ્યા છે. આ પરિસ્થિતિને નાથવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૨ મી માર્ચને ૧૯૯૩ થી “વિશ્વ જળ દિવસ” તરીકે દર વર્ષે ઉજવવાનું નક્કી કર્યુ હતુ. આ વાર્ષિક ઉજવણી થકી લોકોમાં પાણીની મહત્તા સમજાય અને પાણીના બચાવ માટે સહયોગી બની આવનારા દિવસોમાં જળ માટેના માઠા પરિણામો ભોગવવા ન પડે તે માટે રશ્મિકાંત પટેલે જણાવ્યુ હતું.
વધુમાં તેમને જણાવ્યું હતું કે નગરના માર્ગો પર રેલીના માધ્યમ થકી લોકોએ જળ બચાવવા માટેનો સંદેશો મેળવ્યો હતો. આવા કાર્યક્રમો વિભાગ દ્વારા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજીને જળ બચાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે. જળ સ્ત્રોતોની જાળવણી સફાઇમાં સહયોગી બનવા રશ્મિકાંત પટેલએ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, દાહોદના ચેરમેન ર્ડા. ઇકબાલ લેનવાલાએ “વિશ્વ જળ દિવસ” ની ઉજવણીનો મુળભૂત ઉદેશ સમજાવતાં જણાવ્યું હતું કે જળ એ જ જીવન છે. તેના વગર આ સૃષ્ટિનું ટકવું અસંભવ છે. ત્યારે જળ બચાવનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે સહયોગી બનવા સૌ કોઇને આહ્વન કર્યુ હતુ. પાણી પુરવઠા બોર્ડની કચેરીએથી મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. તે પહેલાં ઢોલ નગારાના નાદથી અને ભવાઇના કલાકારોએ “વિશ્વ જળ દિવસ” ની ઉજવણીની મહત્તા જન સમુદાયને પૂરી પાડી હતી. આ રેલી યાદગાર ચોક, ભગીની સમાજ, દેસાઇવાડ, એમ.જી.રોડ, નગરપાલિકા જેવા ભરચક વિસ્તારોમાંથી પસાર થતાં જળ બચાવોના નારા, બેનરો દ્વારા તથા ભવાઇ કલાકારો દ્વારા મનોરંજન સાથે લોકોમાં જાગૃતતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્મમાં એક્ઝીક્યુટીવ એન્જીનીયર યાંત્રિક એચ. જી. પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર સીવીલ પી. એ. મોદી, રાઠવા, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના માનદ્ મંત્રી મુકુંદભાઇ કાબરાવાલા, સહમંત્રી જવાહરભાઇ શાહ, કારોબારી સભ્યો નગીનભાઇ પરમાર, નરેશભાઇ ચાવડા, પાણી પુરવડા બોર્ડ તથા વાસ્મોના કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, નગરજનો વગેરે જોડાયા હતા.