- ગુજરાતના વિકાસની પ્રતિતિ દરેક સામન્ય નાગરિક કરી રહ્યો છે : મંત્રી ઇશ્વરસિંહ પટેલ
- ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ દેશભક્તિના વિવિધ ગીતો સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તૃતિ
- સરકારના ૧૪ જેટલા વિભાગો દ્વારા આકર્ષક ટેબ્લો દ્વારા વિવિધ યોજનાઓની સુંદર ઝાંખી
- જનજાગૃતિ અભિયાન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ
૭૧માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ફતેપુરા તાલુકા ખાતે રાજય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા દેશભક્તિથી છલોછલ માહોલમાં ત્રિરંગો લહેરાવીને કરવામાં આવી હતી. ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ દેશભક્તિના વિવિધ ગીતો સાથે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તૃતિ કરી હતી. સરકારના ૧૪ જેટલા જુદા જુદા વિભાગો દ્વારા સરકારની યોજનાઓ અને કામગીરી મનમોહક ઝાંખી સુંદર ટેબ્લો દ્વારા દર્શાવવામાં આવી હતી. નાગરિકો પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉલ્લાસભેર સામેલ થયા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે કલેક્ટર વિજય ખરાડી અને Dy.S.P. કલ્પેશ ચાવડા, મંત્રી પટેલને ધ્વજવંદન માટે પોડિયમ તરફ દોરી ગયા હતા. ધ્વંજવંદન બાદ ૧૯૯ જેટલા જવોનો શિસ્તબદ્ધરીતે કરવામાં આવેલી માર્ચ પાસ્ટમાં મંત્રી શ્રી પટેલે સલામી ઝિલી હતી. અશ્વદળ અને ડોગસ્કવોડ સહિત ૯ જેટલી પ્લટુનોએ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો. પરેડની આંગેવાની ઓ.એચ.ભાભોરે કરી હતી.
પ્રજાસત્તાક પર્વના પાવન પ્રસંગે નાગરિકોને સંબોધતા મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ભારતની આઝાદીનો ઇતિહાસ ગૌરવવંતો છે. વર્ષ ૧૯૫૭ની કાંન્તીકારી ચળવણથી લઇને વર્ષ ૧૯૪૭માં આઝાદી મળી ત્યાં સુધી અનેક શહિદોએ પોતાના લોહીથી આ આઝાદીને સિંચી છે. તેમણે આ પ્રસંગે ડો. બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા બંધારણના ઘડતરમાં તેમના અમૂલ્ય ફાળાને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ડો. આંબેડકરે આપણને દુનયાના શ્રેષ્ઠ બંધારણની ભેટ આપી છે. આજના દિવસથી બંઘારણમાં અમલમાં આવ્યું તેની આપણે દર વર્ષે ભવ્ય ઉજવણી કરી આ મહાન ક્ષણને યાદ કરીએ છીએ.
તેમણે જણાવ્યું કે, આઝાદી બાદ દેશે અનેક ઉતાર ચઢાવ જોયા છે. અનેક કપરા ચઢાળો વચ્ચે પણ દેશે ઉલ્લેખનીય પ્રગતિ સાધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણો દેશ આખા વિશ્વમાં નામના મેળવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન વિધેયક – ૨૦૧૯ને લાવીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાચા અર્થમાં સિધ્ધ કરી છે. આ કાયદા વિશે ઘણી ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. ખરેખરમાં આ કાયદો નાગરિકતા છીનવવા માટે નહિ પરંતુ નાગરિકતા આપવા માટે છે. ગુજરાતની વિધાનસભામાં પણ આ કાયદાનું સર્વાનુમતે સમર્થન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૭૦ની કલમ લાગુ કરીને કશ્મીર થી કન્યાકુમારી સુધી ભારતને એક કરી દીધું છે. સરકારના આ નિર્ણય માટે દરેક ભારતીયને ગૌરવ છે.
ગુજરાત વિકાસનું રોલ મોડેલ બનીને ઉભરી આવ્યું છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પારદર્શકતા, સંવેદનશીલતા સાથે અનેક પરીણામલક્ષી નિર્ણયો લઇ ગુજરાતમાં સુશાસનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક ઉત્થાન માટે સરકારે અનેક દ્ઢતાપૂર્ણ નિર્ણયો લઇ દ્વારા ગુજરાતના વિકાસની પ્રતિતિ દરેક સામન્ય નાગરિક કરી રહ્યો છે.
આ પ્રસંગે તેમણે દાહોદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસકામોની પણ વાત કરી હતી. મંત્રી ઇશ્વરસિંહ પટેલે ₹.૨૫ લાખનો ચેક ફતેપુરા તાલુકાના વિકાસ માટે કલેક્ટર વિજય ખરાડીને એનાયત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના સ્વાતંત્ર સેનાનીઓનું પણ મંત્રી એ સન્માન કર્યુ હતું. આ ઉપરાંત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ તેમણે સન્માન કર્યુ હતું.
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમને લઇને વિવિધ આકર્ષક પ્રસ્તૃતિઓ કરવામાં આવી હતી. જેમાં યોગ નિર્દશન, આદિવાસી પરંપરાગત લોકનૃત્ય, પિરામિડ યોગ અને દેશભક્તિના ગીતો પર નૃત્ય પર્દશન કરવામાં આવ્યું હતું. જેમાં સરસ્વતી પ્રાથમિક શાળા દ્વારા કાંન્તિકારી ભગતસિંગના જીવન પરના નાટ્ય પ્રસંગની આબેહુબ ભાવસભર પસ્તૃતિને પ્રથમ ઇનામ મળ્યું હતું.
કાર્યક્રમમાં અશ્વદળ અને ડોગ સ્કવોડ દ્વારા વિવિધ રોમાંચક કરતબો બતાવવામાં આવ્યા હતા. મંત્રી ઇશ્વરસિંહ પટેલે ફતેપુરા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત પણ લીધી હતી. તેમણે ફતેપુરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, બાળ સેવા કેન્દ્ર અને મામલતદાર અને એકજીક્યુટીવ મેજીસ્ટ્રેટ ની કચેરીની પણ મુલાકાત લઇ ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. આ ઉપરાંત મામલતદાર અને સ્ટાફ નિવાસસ્થાનનું પણ તેમણે તકતી અનાવરણ કરીને ઉદ્ધાટન કર્યુ હતું. દાહોદ જિલ્લામાં યોજાનારા જનજાગૃતિ અભિયાન રથને પણ તેમણે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કર્યુ હતું. આ પસંગે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારાસભ્ય રમેશ કટારા અને શૈલેષ ભાંભોર, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ સહિતના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.