PRIYANK CHAUHAN – GARBADA
૭૧માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી ગરબાડા તાલુકાના બોરિયાલા ગામે આવેલ આદિવાસી સેકન્ડરી હાઇસ્કૂલ બોરિયાલા ખાતે કરવામાં આવી હતી. જેમાં ગરબાડા મામલતદાર ડી.એમ.મહાકાળના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપી સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરબાડા મામલતદાર સાહેબે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.
ગામના વિકાસ અર્થે સરકાર તરફથી બોરિયાલા ગ્રામ પંચાયતના સરપંચને રૂપિયા પાંચ લાખનો ચેક ગરબાડા મામલતદાર સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
ધ્વજવંદનના કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પધારેલ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપ્યું હતું.
તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગામલોકો કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે પધારેલા મહાનુભાવોના હસ્તે આદિવાસી સેકન્ડરી હાઇસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
ગરબાડા તાલુકામાં પંચાયત ઓફિસો, સરકારી કચેરીઓ, પોલિસ સ્ટેશન, ગામની તથા તાલુકાની અન્ય શાળાઓમાં પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.