- આદિવાસી સમાજના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે આરોગ્ય સુવિધાઓ પહોંચતી કરાઇ છે – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ.
- કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું.
આજે તા.૦૯/૦૮/૨૦૨૨ ને મંગળવારના રોજ દાહોદનાં ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ત્યારે દાહોદ તાલુકા ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. અહીંથી મહાનુભાવોએ વિવિધ યોજનાકીય લાભોનું નાગરિકોને વિતરણ કર્યું હતું. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અહીં ભવ્ય રીતે કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આદિવાસી સમાજના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે આરોગ્ય સુવિધાઓ પહોંચતી કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં પાયાની સુવિધાઓ સહિત અનેક યોજનાઓને અસરકારક રીતે આદિવાસી બાંધવો સુધી પહોંચતી કરવામાં સફળ થયા છે. આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ સહિતની તમામ પાયાની સુવિધાઓનો વ્યાપ છેલ્લા બે દાયકામાં વિસ્તારાયો છે.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં દરેક યોજનાઓના લાભ ઘરે ઘરે પહોંચે એ માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. આદિવાસી વિસ્તારોમાં પાણીની ખૂબ મોટી સમસ્યાઓનો સફળ ઉકેલ રાજ્ય સરકાર લાવી છે. અહીં પ્રધાનમંત્રીશ્રીએ વર્ષ ૨૦૧૮માં ખાતમુહૂર્ત કરેલી રૂ. છસ્સો કરોડની પાણીની યોજના હવે સાકાર થઇ છે અને અત્યારે ૪.૫ લાખ લોકોને ૭.૫ લાખ લીટર પાણી મળતું થયું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધા પોતાના જિલ્લામાં જ પ્રાપ્ત થઇ છે. ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાની જરૂર રહી નથી. શિક્ષણની સવલતો આદિવાસી સમાજમાં મળતા હવે અહીંથી ખૂબ સારા ડોક્ટર, એન્જિનિયર તેમજ તમામ ક્ષેત્રમાં મહારત સાથેના વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી રહ્યાં છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ બિરસામુંડા ભગવાન અને આદિવાસી દેવીદેવતાઓના પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. તેમજ કાર્યક્રમમાં અહીંની આદિવાસી ટીમ દ્વારા આદિવાસી સાંસ્કુતિક નૃત્ય રજૂ કરાયું હતું. આદિજાતિ વિકાસની યોજના ઉપર દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવાય હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, અધિક સચિવ યોગેશ પટેલ, એપીએમસી ચેરમેન કનૈયાલાલ કિશોરી, અગ્રણી અભિષેક મેડા, ડીઆરડીએ નિયામક બલાત, પ્રાંત અધિકારી એમ.એમ. ગણાસવા સહિતના અધિકારીઓ, અગ્રણી પ્રશાંત દેસાઇ, રમણભાઇ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી બાંધવો આ ઉજવણીમાં સહભાગી થયા હતા.
૦૦૦