મધ્યપ્રદેશના નિમચમાં એક લગ્ન પ્રસંગે ગયેલા દાહોદ નગરના કસ્બા વિસ્તારના જૂના વણકરવાસના એક પરિવારના ૪૪ વર્ષીય સભ્યને કોરોના વાયરસ લાગુ પડ્યો છે. મધ્યપ્રદેશથી આવ્યા હોવાથી લેવામાં આવેલા શંકાસ્પદ જણાયેલા બે સભ્યોના નમૂના લેવામાં આવ્યા હતા. નમૂનાનું પરિણામ આવતા આ યુવાનનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જૂના વણકાર વાસના કુરેશી પરિવારના કુલ ૧૧ સભ્યો તા.૨૦/૦૩/૨૦૨૦ ના રોજ દાહોદ થી મધ્યપ્રદેશના નિમચ ખાતે કોઇ સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં જઇને તા.૨૪/૦૪/૨૦૨૦ ના રોજ નિમચ ખાતેની જિલ્લા હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું, અને તેમાં કોઇ પણ પ્રકારના લક્ષણો જણાયા નહોતા.
નિમચ ખાતે ચાલીસ દિવસ રોકાયા બાદ તા.૨૯/૦૪/૨૦૨૦ ના રોજ ખંગેલા બોર્ડર ખાતેથી દાહોદ મેડિકલ ઇમર્જન્સીના કારણોસર આવ્યા હતા. જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. એમાં શંકાસ્પદ જણાતા દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પરિવારને ક્વોરોન્ટાઇન કરી કોરોના વાયરસ અંગેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ ૧૧ સભ્યોમાંથી સરફરાજ ઝફર કુરેશીનો રિપોર્ટ પોઝેટિવ આવતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં મોકલી દેવામાં આવ્યા છે. બાકીના ૧૦ સભ્યોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.