- ફતેપુરા તાલુકા પંચાયતના ખાતામાંથી ચેક થી તાલુકાની જ એક મંડળી દ્વારા ₹ 65,15,547/- બારોબાર ઉપાડવામાં આવ્યા હોવાનો ચોકાવનારો ધડાકો થયો.
- લાખો રૂપિયાનું કૌભાંડ આચારવાના ઈરાદાથી અને જવાબદારોને બચાવવાના આશયે ચેક ઉપર રવિવાર રજાના દિવસની તારીખ લખવામાં આવી છે.
- સરકારી ચેકમાં એડવાન્સ સહી કરવાનો નિયમ નથી અને એડવાન્સમાં સહી સિક્કા કર્યા હોય તો કયા કારણોસર?
- ચેક ગુમ થયો કે ચોરી થઈ હોય તો તેની બેંક કે પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે નહીં ? ચેકની વિગત હિસાબી શાખામાં છે કે કેમ ? જેવા સળગતા સવાલો.
- લાખો રૂપિયાનું કૌભાંડ કરવાના ઇરાદાથી ચેકની રકમ ફતેપુરા તાલુકાના એક ગામની મંડળીના નામે ઉપાડવાનામાં આવી હોવાનો પણ ઘટસ્પોટ થયો.
દાહોદ જિલ્લામાં આવેલ ફતેપુરા તાલુકામાં સમયાંતરે લાખો-કરોડો રૂપિયાના કૌભાંડો આચારવામાં આવતા હોવા બાબતે ધટસ્પોટ થતો રહેલ છે. જેમાં થોડા સમય અગાઉ N.R.G. શાખામાં લાખોનું કૌભાંડ આચારવામાં આવતા N.R.G. શાખાના 10 જેટલા કર્મચારીઓને તગેડી મૂકવામાં આવ્યા હતા. જ્યારે હાલ ફતેપુરા તાલુકા પંચાયતના ખાતામાંથી લાખો રૂપિયા એક મંડળીના માધ્યમથી કૌભાંડ આચરવાના ઈરાદાથી ઉપાડી લેવાતા અને પાપનો ઘડો ફૂટતા તાલુકા કક્ષાના જવાબદારો સહિત તાલુકાની પ્રજામાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકા પંચાયતના ખાતામાંથી ચેક દ્વારા તાલુકાના એક ગામની મંડળી દ્વારા રૂપિયા 65,15,547- ઉપાડી લેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ લખાય છે. ત્યારે ફતેપુરા તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામા આવી હોવાનું જાણવા મળે છે. જો કે આ નાણાં ચેકથી ઉપાડવામાં આવ્યા છે અને ચેકમાં જે તારીખ લખવામાં આવેલ છે તે પણ રવિવાર રજાના દિવસની હોવાની ચોકાવનારી વાત પણ સાંભળવા મળી રહી છે. તાલુકા પંચાયત કચેરી દ્વારા આપવામાં આવતા સરકારી નાણાંના ચેકમાં બે કે તેથી વધુ અધિકારીઓ ના સહી સિક્કા થાય છે. જો તાલુકા પંચાયતના જવાબદારો આ બાબતે કાંઈ જાણતા નહી હોય તો સિક્કા ક્યાંથી આવ્યા અને ચેકમાં સહી કોણે કરી ? અને આ ચેકની વિગત ફતેપુરા તાલુકા પંચાયતના હિસાબી શાખામાં છે કે કેમ ? અને તાલુકા પંચાયત કચેરીમાં વિગત હોય તો આ નાણાં કંઈ કામગીરી બાબતે ચુકવણુ કરવામાં આવ્યું ? માની લો કે આ ચેક ગુમ થયો હોય કે તેની ચોરી થઈ હોય તો તેની જાણ બેંક કે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે કે કેમ ? અને આ ચેક ચોરી થયો હોય તો સહી સિક્કા ક્યાંથી આવ્યા ? બીજી બાજુ જોઈએ તો સરકારી ચેકમાં એડવાન્સ સહી કરવાનો નિયમ નથી. જો એડવાન્સમાં સહી સિક્કા કર્યા હોય તો તેવું કરવાની જવાબદારોને ફરજ કેમ પડી ? કે પછી આ ચેકમાં એડવાન્સમાં સહી સિક્કા કરી તારીખ અને રકમ ભરવાનું બાકી રાખવા પાછળનો ઇરાદો શું હોઈ શકે? ચેક ભરવાની કામગીરી હિસાબી શાખાની હોય છે. તો આ ચેક કોના અક્ષરોમાં ભરવામાં આવ્યો ? તે પણ એક તપાસનો વિષય છે. માની લો કે આ વ્યવસ્થિત કૌભાંડ છે તો પણ ચેક બીજા પાસે કોના દ્વારા અને કેવી રીતે ગયો ?
અહીંયા જણાવવું જરૂરી છે કે, તાલુકા પંચાયતનો ચેક બેંકમાં નંખાય ત્યારે બેંક મેનેજરે આવા કિસ્સામાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તે ચેક નંબર અને રકમ ભરીને લેનારના નામ સાથે જે તે ચેકના નાણા ચૂકવવાનો લેખિત હુકમ પણ લેવાનો હોય છે. જેને પેમેન્ટ ઓર્ડર કહેવાય છે. તો આ રૂપિયા 65,15,547/- ના ચેક માટે તાલુકા પંચાયતના જવાબદારો દ્વારા બેંકને પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો છે કે કેમ ? તથા તાલુકા પંચાયતનો ચેક હોવાથી તે ચેકમાં 65,15,547/- રકમ ભરીને તેના ઉપર અલગથી લાલ બોલપેનથી લખવું પડે કે રૂપિયા 65,15,547/- થી વધુ નહીં. તો આ તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ બેંક દ્વારા નાણા આપવામાં આવ્યા છે કે કેમ ? તેની પણ તપાસ જરૂરી છે. જો કે પેમેન્ટ ઓર્ડર ના હોય તો બેંક મેનેજર ચેક પાસ કરી શકતા નથી.તો આ ચેક પાસ કરાવવા પેમેન્ટ ઓર્ડર કોણે આપ્યો ? જેવા સળગતા સવાલો હાલમાં તાલુકામાં ટોપ ઓફ ધી ટાઉન બનવા પામેલ છે. તેમજ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવવા ના અણસાર જણાઈ રહ્યા છે. આ કૌભાંડમાં કોઈ એક વ્યક્તિનું કામ નથી. આમાં કૌભાંડમાં અનેક લોકોની સંડોવણી જોવા મળી રહી છે. માટે જિલ્લા કલેકટર દ્વારા આ કૌભાંડ ની ખાસ તકેદારી રાખીને તપાસ કરે અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવું ગામના લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.