KEYUR PARMAR DAHOD
- દીન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર તમામ વર્ગના લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થશે
- કોઇપણ રોગના તમામ દર્દીઓને આ યોજના હેઠળ ઓછા ભાવે ૨૪ કલાક ૩૬૫ દિવસ રજાના દિવસોએ પણ દવાઓ આ સ્ટોર પરથી મળી રહેશે
- કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જેનેરીક દવાઓ ગરીબ દર્દીઓને ઓછાભાવે મળી રહે તે માટે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર યોજના રાજ્યના તમામ જિલ્લાઓની મુખ્ય હોસ્પિટલોમાં અમલમાં મૂકવામાં આવી છે. રાજયભરની આવી હોસ્પિટલોમાં એકી સાથે ૫૨ (બાવન) જેટલી જગ્યાએ આવા સ્ટોરનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં થયેલ છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ જનરલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના આદિજાતિ બાબતોના વિકાસ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે દીનદયાળ પ્રધાનમંત્રી જેનેરીક દવાઓ ગરીબ દર્દીઓને ઓછા ભાવે ગુણવત્તા સાથે મળી રહે તે માટેના અધતન જન ઔષધિ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ઓછી કિંમતે પૂરી પાડતા દવાના સ્ટોરને ખુલ્લો મુકતા કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કોઇપણ દેશ કે રાજ્યની સમૃધ્ધિએ દેશના નાગરિકોના આરોગ્ય ઉપર આધારિત હોય છે. લોકોની સુખાકારી માટે સારું આરોગ્ય અનિવાર્ય છે. દેશની જનતા અંદાજિત રૂા. ૨.૯૦ કરોડ જેટલો ખર્ચ પોતાના ખિસ્સામાંથી આરોગ્યની સેવાઓ માટે કરે છે. ત્યારે દેશના વડાપ્રધાનશ્રીએ કોઇપણ રોગ માટેની મોંઘીદાટ દવાઓના કારણે દરદીને સહન કરવાનો કે મૃત્યુ સુધી પહોંચી જવાનો વારો ન આવે તે માટે દરદીને સારવારની જગ્યાએ જ સ્થળ પર જ દવાઓ મળી રહે તે માટે આ જેનેરિક સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. જે તમામ દર્દીઓને આ યોજના હેઠળ ઓછા ભાવે તમામ રોગની તમામ જાતની દવાઓ આ આરોગ્ય સ્ટોર પર મળી રહેશે. દીન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર તમામ વર્ગના લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થશે. કોઇપણ રોગના તમામ દર્દીઓને આ યોજના હેઠળ ઓછા ભાવે ૨૪ કલાક ૩૬૫ દિવસ રજાના દિવસોએ પણ દવાઓ આ સ્ટોર પરથી મળી રહેશે આ ગુણવત્તાયુકત ઓછાભાવની દવાઓનો લાભ લઇ આરોગ્ય જાળવવા સાથે સહિત રાજ્યની વિકાસ ધારામાં જોડાવા આમ જનતાને કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે આહ્વાન કર્યું હતું.
વધુમાં શ્રી ભાભોરે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ચિરંજીવી યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તૂરબા ગાંધી પોષણ યોજના, બાળ સખા યોજના, ૧૦૮ યોજનાની આંકડાકીય વિગતો રજૂ કરતાં આ વિસ્તારની ગરીબ પ્રજાને મળી રહી છે તે બદલ સંતોષ વ્યકત કરતાં આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ત્રિભેટે આવેલ દાહોદ જિલ્લાની આરોગ્ય વિષયક સેવાઓ સ્થાનિક કક્ષાએ મળી રહે તે માટે દાહોદ ખાતે મેડિકલ કોલેજ, ડેન્ટલ હોસ્પિટલ શરૂ કરવાના આયોજન સાથે ૧૬ કરોડના ખર્ચે નર્સિંગ કોલેજ, ફિજીયો થેરાપી કોલેજ શરૂ કરવામાં આવી છે. તેનો લાભ આ વિસ્તારને મળ્યો છે તેનો ઉલ્લેખ શ્રી ભાભોરે કર્યો હતો.
આ પ્રસંગે આઇ.એમ.એના ર્ડા. શીતલ શાહે જેનેરિક સ્ટોર વિશે સરળ ભાષામાં સમજ આપી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ઓડિયો સીડી દ્વારા જનતાને આ યોજનાની સરળ ભાષામાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ર્ડા. આર.એમ.પટેલે તથા આભાર વિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવાસી તબીબી અધિકારી ર્ડા. સોહન વી કટારાએ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી સુજલકુમાર મયાત્રા, ગુજરાત પ્રવાસન નિગમના ડીરેક્ટરશ્રી સુધીરભાઇ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખશ્રીમતી સંયુક્તાબેન મોદી, મહિલા અગ્રણીશ્રીમતી વિણાબેન પલાસ, મહામંત્રીશ્રી દિપેશભાઇ લાલપુર વાલા, અગ્રણી સર્વેશ્રી નગરસિંહ પલાસ, શ્રી જિથરાભાઇ ડામોર, અર્બન હોસ્પિટલના અગ્રણીશ્રી સંદિપભાઇ, ર્ડા.પહાડીયા, ઇ.એમ.ઓ. ર્ડા.દિલીપ પટેલ, જિલ્લા તાલુકાના પદાધિકારીઓ,નગરપલિકાના કાઉન્સિલરો, .અગ્રણીઓ, નગરજનો, ગ્રામજનો, હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ, આરોગ્ય સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.