ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ ઉર્ફે પીન્ટુ મારવાડી દ્વારા આજે તા.૨૧/૧૧/૨૦૨૦ ને શનિવારના બપોરના સમયે માંડલેશ્ચર મહાદેવ જઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર નગરમાં હાહાકાર મચ્યો હતો. કાઉન્સિલર અંતિમ અગ્રવાલને હાલ વડોદરા રિફર કરવામાં આવ્યા છે. ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા બાદ પાલિકાનું રાજકારણ ગરમાયું હતું. આ હત્યાકાંડમાં નગર પાલિકામાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારથી લઇને પાલિકાનું રાજકારણ જ જવાબદાર હોવાનું ઝાલોદ નગરના લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે, આજ શનિવારના રોજ ઝાલોદના કોંગ્રેસી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા માંડલેશ્ચર મહાદેવ મંદિર ખાતે જઈ ને સેલફોર્સ ની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
ઝાલોદ નગર પાલિકાના કોંગ્રેસી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ આજે પોતાની ઓફિસના કર્મચારીને પોતે મંડલેશ્વર મહાદેવ જઇ અને આરામ કરશે એવું જણાવ્યુ હતું અને ત્યારબાદ અંતિમ અગ્રવાલએ માંડલેશ્ચર મહાદેવ જઈ અને આ ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી. અને ત્યાંથી જ પોતાના કાઉન્સિલર મિત્ર તથા અન્ય એક સગાવ્હાલા ને પોતે સેલફોર્સની ઝેરી ગોળીઓ ખાદી હોવાની વાત કરી હતી. આ બાદ કાઉન્સિલર હાલત ખૂબ જ કફોડી થતાં તેઓને ઝાલોદના ખાનગી દવાખાને દાખલ કરાયા હતા ને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં આજે સાંજે તેઓને મૃત જાહેર કરાયા હતા. આ બાબતની જાણ થતાં સમગ્ર ઝાલોદ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ નગર પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારમાં અંતિમ અગ્રવાલની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે. ત્યારે તેમના દ્વારા લેવામાં આવેલ આ પગલા તમામ ભ્રષ્ટાચાર પોતાના માથે જ આવી જવાની બીકે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેવું કોંગ્રેસી કાઉન્સિલર દ્વારા જ આ અંગે સ્પષ્ટતા થાય તેમ હતી. અને વધુમાં અજય કલાલની દુકાનમાં પણ મુખ્ય ભૂમિકા હોવાનુ જાણવા મળેલ છે.
હિરેન પટેલ હત્યા કાંડમાં આરોપી એવા અજય કલાલ દ્વારા પાલિકામાં ખોટા બીલો રજૂ કરી અને પેટ્રોલ પંપની પાછળની દુકાન પચાવી પાડવામાં આવી હતી. જે અંગે નગર પાલિકાએ નોટિસ પણ ફટકારી હતી ત્યારે આ દુકાનના કાંડમાં બીલોથી લઈને ખોટી સહીઓમાં પણ અંતિમ અગ્રવાલનું નામ જાહેર થાય તેમ હતું ત્યારે તેના દ્વારા લેવામાં આવેલું આ આત્મહત્યાનું પગલું આ તપાસ ઉપરાંત અન્ય પણ કોઈ કાંડમાં આવતું હોવાની બીકે તેમણે આ પગલું ભરી આત્મહત્યા કરી હતી તેવું ઝાલોદ નગરના લોક મુખે ચર્ચાઇ રહ્યું છે. અને તેમના પરિવારમાં ઘેરા શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી.