- જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ.
- આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા સરકાર કટિબધ્ધ નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકી
રાજ્યના છેવાડે આવેલા અને બાહુલ આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી જિલ્લા એવા દાહોદ જિલ્લામાં આજે રંગે ચંગે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. લીમખેડા ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઇ સોલંકીની અધ્યક્ષતામાં સમારંભ યોજવામાં આવ્યો હતો.
વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ૯ મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયા હતા અને આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજયનો આદિજાતિ સમાજ સર્વાંગી અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદૃઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા.
આ અવસરે દાહોદના સાંસદ જસવંતસિહ ભાભોરે જણાવ્યુ હતું કે, સૌ પ્રથમ બાજપાઈ સરકારે આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની રચના કરી હતી, જેથી આ સમાજને સૌથી મહતમ લાભ આપી શકાય. આદિવાસી સમાજનો આઝાદી જંગમાં ભવ્ય ઈતિહાસ રહ્યો છે. વિશ્વના અનેક રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક ધરોહરની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. પ્રકૃતિના ખોળે વસતો આ સમુદાય પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી પરિશ્રમી પ્રજા તરીકે ઓળખાય છે. ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય બાબતે ઉત્કર્ષ થાય અને તેઓ પણ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે કેન્દ્ર – રાજ્ય સરકારોએ “જ્યાં નાગરિક ત્યાં સુવિધા” નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે, સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી અને ગુરુ ગોવીંદસિંહ યુનીવર્સીટી બનાવવામાં આવી છે. જેમાં આદિવાસી સમાજના બાળકો સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી શકશે, તેમજ સરકારશ્રી દ્વારા સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્રે આદિવાસી બાંધવોના જીવનમાં પ્રકાશ પાથરી ઊર્જા શક્તિ, મહિલા સશક્તિકરણ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના, રોડ રસ્તાનું નિર્માણ, સિંચાઈ સુવિધા પુરી પાડી રહી છે. સાથોસાથ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોના લોકોનો સંતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે સૌ એકત્ર થયાં છીએ ત્યારે આદિવાસી સમાજ વધુ સંગઠીત બને, વધુ ઉન્નતિ પામે અને “સૌનો સાથ સૌનો વિકાસ” મંત્રના માર્ગે સર્વાંગી વિકાસ પામે અને રાજ્ય અને દેશના વિકાસમાં પોતાની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતેથી રાજયકક્ષાના “આદિવાસી દિવસનો” કાર્યક્રમનો શુભારંભ કરાવ્યા બાદ વર્ચ્યુઅલી સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમને જીવંત પ્રસારણ થકી ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, પ્રગતિશીલ પશુપાલકો, ખેડૂતો, રમતવીરોને પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધનસહાય તથા ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેન તેમજ જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.